સમગ્ર દુનિયા કોરોનાના વધુ આક્રમક બીજા રાઉન્ડનો સામનો કરી રહી છે. આ વખતે વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો પણ મોટી સંખ્યામાં વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. દુનિયાભરમાં તેમના માટે પણ વેક્સિનની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કોરોનાની પહેલી લહેરથી તો બાળકો બચી ગયાં. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્યુનિટી સારી છે એટલે તેમને જોખમ ઓછું છે, પરંતુ બીજી લહેર આવતાં જ આ અભિપ્રાય બદલાઈ ગયો. હવેના આંકડા ચોંકાવનારા છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. દર 20માંથી એક દર્દી દસ વર્ષથી પણ નાનું બાળક છે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કુલ દર્દીઓમાંથી 4.42 ટકા દર્દી 10 વર્ષથી પણ ઓછી વયનાં એટલે કે બાળકો છે. 11 વર્ષનાં બાળકોથી લઈને 20 વર્ષના યુવકો કોરોના બીમારીમાં 9.79 ટકા હિસ્સો ધરાવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકો પહેલા એસિમ્ટોમેટિક હતા, પરંતુ તેમનામાં ઘણાં લક્ષણો જોવા મળી રહ્યાં છે, જેમ કે નાક બંધ, પેટમાં દુખાવો, ઝાડા, ગળામાં દુખાવો, થાક અને માથામાં દુખાવો. સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને એનો સમય 2 અઠવાડિયાંથી વધારે થઈ ગયો છે તેઓ પોતાના ઘરમાં એક નાના ગ્રુપની સાથે ગેટ-ટુ-ગેધર કરી શકે છે, પરંતુ એમાં માત્ર તે જ લોકો સામેલ થઈ શકે છે જેમને વેક્સિન લીધી છે. જો દરેક વ્યક્તિ વેક્સિનેટેડ છે તો માસ્ક પહેરવું એટલું જરૂરી નથી. બાળકોને આ ગેટ-ટુ-ગેધરથી કોઈપણ પ્રકારનું જોખમ થવાની સંભાવના ઓછી છે.
