દેશની રાજધાની દિલ્હી કોવિડ-19 મહામારીમાંથી મુક્ત થવાની તૈયારીમાં છે. અહીં હવે નવા કેસની સંથ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે માત્ર 613 નવા કોવિડ-19 કેસનો નવો રેકોર્ડ બની ગયો જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે. દિલ્હી હાઈકોર્ટે પણ પ્રદેશમાં મહામારીનો સામનો કરવાની તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો અને પોતાના તરફથી ડઝન જેટલી જનહિત અરજીનો નિકાલ કર્યો હતો.
હકીકતમાં દિલ્હીમાં 613 નવા કેસની સાથે સોમવાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા 1 લાખ, 31 હજાર 219 થઈ ગઈ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે આ સાથે મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 3853 થઈ ગઈ છે. એક દિવસમાં રવિવારે રાજધાનીમાં સંક્રમણના 1075 નવા કેસ આવ્યા હતા. દિલ્હીમાં હાલ 10994 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રવિવારે તેની સંખ્યા 11,904 હતી. દિલ્હીમાં અત્યાર સુધી 1 લાખ, 16 હજાર, 372 દર્દી સારવાર બાદ રિકવર થઈ ગયા છે.