કેન્દ્ર રોજીંદી ટેસ્ટીંગ ક્ષમતાને 3 લાખ સેમ્પલ સુધી લઇ ગયું છે ત્યારે દેશમાં કુલ મરણાંક 10,000ને પાર પહોંચી ગયો છે. અને વૈશ્વિક કોરોના મરણાંક મામલે દેશ આઠમા સ્થાને પહોંચ્યું છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર સતત પાંચમા દિવસે 10,000થી વધુ નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 3,43,091 પર પહોંચી ગયો છે જ્યારે 380નાં મોત થવા સાથે કુલ મરણાંક 9900 પર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં 1,53,178 સક્રિય કેસ છે જ્યારે 1,80,012 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 52.46 ટકાનો રિકવરી રેટ દર્શાવે છે. આ તરફ મહારાષ્ટ્રમાં મંગળવારે 89નાં મોત થયા હતા અને તેમાં જૂના ન નોંધાયેલા 1328 મોત જોડવામાં આવતા કુલ મરણાંક 5537 થયો છે, જ્યારે નવા 2701 કેસ મળવા સાથે કુલ કેસનો આંકડો 1,13,445 પર પહોંચી ગયો છે. આ 1328 મોત અગાઉ વાયરલ ઇન્ફેક્શનના કારણે થયાનું કહેવાયું હતું.
જો કે રાજ્યો દ્વારા અપાયેલા આંકડાઓના આધારે મરણાંક 10,057 થયો છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં 70 ટકા મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 9900 મોતમાંથી મહારાષ્ટ્ર 4128 મોત સાથે ટોચના સ્થાને છે. તેના પછી 1505 મોત સાથે ગુજરાત, દિલ્હીમાં 1400, પશ્ચિમ બંગાળમાં 485, તમિલનાડુમાં 479, મધ્યપ્રદેશમાં 465, ઉત્તરપ્રદેશમાં 399, રાજસ્થાનમાં 301 અને તેંલગાણામાં 187નાં મોત થયા છે.
આ ઉપરાંત હરિયાણામાં 100, કર્ણાટકમાં 89, આંધ્રપ્રદેશમાં 88, પંજાબમાં 71, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 62, બિહારમાં 40, ઉત્તરાખંડમાં 24, કેરળમાં 20 અને ઓડિશામાં 11નાં મોત થયા છે.મંત્રાલયે કહ્યું હતું કે 70 ટકાથી વધુ મોત અન્ય ગંભીર બિમારીઓ હોવાને કારણે થયા છે.