ભારતમાં આજે એક દિવસમાં લગભગ 16,000 કેસની નજીકના કોવિડ-19 કેસ નોંધાયા છે, ત્યારે દિલ્હીએ બુધવારે કોરોના કેસ મામલે મુંબઇને ઓવરટેક કરી લીધું છે અને પશ્ચિમ બંગાળમાં કોન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રએ ચેપના પ્રસારને અટકાવવા માટે હવે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યુહરચના અપનાવી છે.
14,000 થી વધુ લોકોના જીવ લેનારા રોગચાળા સામે લડવા સરકારે સુધારેલી વ્યૂહરચનાના કેન્દ્રમાં વિવિધ પરીક્ષણોના જોડાણનો ઉપયોગ અને દેશભરના લક્ષણો ધરાવતા તમામ વ્યક્તિઓને વ્યાપકપણે ટેસ્ટ ઉપલબ્ઘ કરાવવાનું છે. કોરોનાવાયરસના કેસ મામલે દેશમાં બીજા સર્વાધિક અસરગ્રસ્ત રાજ્ય દિલ્હીમાં આજે એક દિવસમાં 3788 નવા કેસ નોંધાની સાથે 70,390 કુલ કેસ થતાં તેણે કુલ કેસના મામલે આજે 69,625 કેસ ધરાવતા મુંબઇને ઓવરટેક કરી લીધું હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયું હતું.
પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના કેસ સતત વધતા દઇ રહ્યા હોવાથી મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવી દીધું છે. કુલ 15,000 કેસની નજીક પહોંચેલું પશ્ચિમ બંગાળ દેશમાં કુલ કેસ મામલે 7માં સ્થાને છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકે 10,000 કેસનો આંકડો વટાવી લીધો છે જ્યારે તેલંગાણા તેની નજીક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સતત પાંચમા દિવસે 14000થી વધુ કેસ નોંધાવા સાથે કુલ કેસનો આંકડો 4,56,183 પર પહોંચ્યો છે, જ્યારે વિક્રમી 465ના મોત થવા સાથે કુલ મરણાંક 14,476 પર પહોંચી ગયો છે.