એક દિવસમાં સર્વાધિક વિક્રમી 17,296 કેસ નોંધાવાની સાથે ભારતમાં હાલના મહિનામાં ભયાવહ વલણ જળવાઇ રહ્યું છે, કે જેમાં ચાલુ મહિના દરમિયાન દેશમાં નોંધાયેલા પાંચ લાખની નજીકના કેસમાંથી 60 ટકા કેસ જૂન મહિનામાં જ નોંધાયા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રોજીંદા સર્વાધિક ઉછાળાની સાથે સતત સાતમા દિવસે દેશમાં 14000થી વધુ કેસ નોંધાવાનું યથાવત રહ્યું છે.
મહારાષ્ટ્રમાં 5,024, તમિલનાડુમાં 3,645 જ્યારે આંધ્રપ્રદેશમાં 605 તેમજ પશ્ચિમ બંગાળમાં 542 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં આજે એક દિવસમાં જ સર્વાધિક 17,296 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 4,90,401 પર પહોંચી ગયો હતો. જ્યારે વધુ 407નાં મોત થવાની સાથે કુલ મરણાંક પણ 15,000ના આંકને વટાવી ગયો હતો. દેશમાં હાલ કુલ મરણાંક 15,301 પર પહોંચ્યો છે.
1 જૂનથી 26 જૂન દરમિયાન દેશમા કુલ મળીને 2,99,866 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય મંત્રાલયના ડેટામાં કહેવાયું છે. જો કે રિકવરી રેટ ધીમે ધીમે સુધરતો જાય છે અને તે હાલ 58.24 ટકાનો હોવાનું મંત્રાલયે કહ્યું છે. દિલ્હી, ચેન્નાઇ, મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, પાલઘર અને પુણે, તેલંગાણાના હૈદરાબાદ અને રંગા રેડ્ડી, ગુજરાતનું અમદાવાદ તેમજ હરિયાણાનું ફરિદાબાદ એમ દેશના 10 જિલ્લા અને શહેરો મળીને કુલ કેસમાંથી 54.47 ટકા કેસ ધરાવતા હોવાનું આરોગ્ય મંત્રાલય કહે છે.
મહારાષ્ટ્ર પછી કેસ અને મોત બંને દૃષ્ટિએ દિલ્હી દેશનું બીજુ સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. દિલ્હીમાં નવા 3,460 કેસ નોંધાવાની સાથે કુલ કેસ વધીને 77,240 થયા છે, જ્યારે 63નાં મોત થવાની સાથે કુલ મરણાંક 2,942 થયો છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ 1,52,765 અને કુલ મરણાંક 6,931 થયો છે. તમિલનાડુમાં સતત બીજા દિવસે 3500થી વધુ કેસ નોંધાયા હતા અને આજે નવા 3,645 કેસ નોંધાવાની સાથે કુલ કેસ વધીને 74,622 થયા છે. આંધ્રમાં નવા 605 કેસ નોંધાવાની સાથે કુલ કેસ 11,000ના આંકડાને વટાવી ગયા છે. કર્ણાટકમાં પણ નવા 445 કેસ મળવા સાથે કુલ કેસનો આંકડો 11,000 પર પહોંચી ગયો છે.