કોરોનાના સતત વધી રહેલા કેસો ચિંતાનો વિષય બન્યો છે. જે રાજ્યો મે મહિનામાં કોરોના મુક્ત જાહેર થયા હતા, ત્યાં પણ હવે ધીમે ધીમે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમાનું જ એક રાજ્ય છે ગોવા. આ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ગોવામાં કોરોના વાયરસનું સામુદાયિક ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે, કારણ કે રાજ્યના દરેક ભાગોમાં કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાજ્યમાં 44 નવા કેસો સામે આવ્યા છે. ત્યાર પછી ગોવામાં સંક્રમણના મામલાનો આંકડો 1039 પર પહોંચી ગયો છે. જેમાં હાલમાં 667 લોકો સંક્રમિત છે. ગોવામાં જૂન મહિનાથી કોરોનાના કેસો આવતા શરૂ થયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે એ વાત માનવી પડશે કે રાજ્યમાં સામુદાયિક પ્રસાર શરૂ થઈ ગયો છે. પણ સંક્રમણની જાણ અમુક જ જગ્યાઓથી થઈ રહી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે પૂરા ગોવામાંથી સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. હાલમાં, જ્યારે પૂરા રાજ્યમાં ટ્રાન્સમિશન થાય છે તો એક દર્દીમાંથી બીજા દર્દીમાં સંક્રમણ ફેલાય છે. અમારે લોકોને કહેવું પડશે કે આ કમ્યુનિટી ટ્રાન્સમિશન છે. અમારે આ સ્વીકાર કરવું પડશે.