ભારતની કોવિડ-19ની સંખ્યા ઝડપથી વધીને 29 લાખને પાર ગઈ હતી જ્યારે એક દિવસ પહેલાં જ તેણે 28 લાખનો આંકડો પાર કર્યો હતો. દેશમાં એક દિવસમાં 68,898 પૉઝિટિવ કેસ નોંધાયા હતા. સાજા થનાર દર્દીઓની સંખ્યા 21,58,946 થઈ હતી જેના પગલે સાજા થવાનો દર 74 ટકાથી વધુ થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 29,05,823 થઈ હતી જ્યારે એક દિવસમાં 983 દર્દીઓનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 54,849 થયો હતો, એમ મંત્રાલયે સવારે 8 વાગે જારી કરેલા આંકડાઓથી જાણવા મળ્યું હતું.
આંકડાઓ મુજબ, કેસ મૃત્યુદર ઘટીને 1.89 ટકા થયો હતો જ્યારે સાજા થવાનો દર વધીને 74.30 ટકા થઈ હતી. દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસ 6,92,028 છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) 20 ઓગસ્ટ સુધી કુલ 3,34,67,237 નમૂનાઓ ટેસ્ટ કરાયા હતા જ્યારે એકલા ગુરુવારે 8,05,895 ટેસ્ટ કરાયા હતા.
એક દિવસમાં નોંધાયેલા 983 મૃત્યુ પૈકી મહારાષ્ટ્રમાં 326, તમિલનાડુમાં 116, કર્ણાટકમાં 102, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંનેમાં 95, પશ્ચિમ બંગાળમાં 53, પંજાબમાં 36, દિલ્હીમાં 22, ગુજરાતમાં 16 અને રાજસ્થાનમાં 11 મૃત્યુ નોંધાયાં હતાં.
કુલ મૃત્યુઆંક 54,849 પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 21,359 મૃત્યુ નોંધાયા હતા ત્યારબાદ તમિલનાડુમાં 6239, કર્ણાટકમાં 4429, દિલ્હીમાં 4257, આંધ્ર પ્રદેશમાં 3001, ગુજરાતમાં 2853, ઉત્તર પ્રદેશમાં 2733, પ. બંગાળમાં 2634, મધ્ય પ્રદેશમાં 1171 અને રાજસ્થાનમાં 921 મૃત્યુ નોંધાયા હતા.
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે 70 ટકાથી વધુ એવા દર્દીઓનાં થયાં હતાં જેમને પહેલાંથી કોઈ જૂની બીમારી હતી જેમ કે ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર વિગેરે.