કોરોનાને કારણે રાજ્યની સ્થિતિ ભયાનક બની રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડૉ. તેજસ પટેલ, ડૉ. વી.એન શાહ, ડૉક્ટર અતુલ પટેલ તથા ડૉ. તુષાર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા વિનંતી કરી હતી. સાથે જ તેમણે લોકોને વેક્સિન લેવા, રેમડેસિવિર અંગેની ખોટી માન્યતા અને ઘરે કોરોનાના દર્દીની સારવાર કરવા અંગેની કેટલીક માહિતી આપી હતા. ડોકટર તેજસ પટેલ જણાવે છે કે, કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઉલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લોકડાઉન પણ આનો જવાબ નથી. હું બે હાથ જોડીને લોકોને વીનતી કરું છું વેકસીન લઈ લો.
વેક્સિનથી મોત થશે નહીં. વેકસીન લીધેલા લોકોમાં મૃત્યુ દર ઓછો છે. કોઈપણ દવા અસરકારક હોય તો તેની આડઅસર થાય છે. આ જ સ્થિતિ લોકોને હર્ડ ઇમ્યુનિટી તરફ લઈ જશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઝાયડસના ડો. વી.એન શાહે જણાવ્યું કે, આ એક વાઈરલ યુદ્ધ છે. આ રોગને પહેલા સમજો, 70 ટકા પોપ્યુલેશન આવશે તો હર્ડ ઈમ્યુનિટી થશે. દરેક ગામમાં કમિટી બનાવો જે ગામમાં વેક્સિન માટે લોકોને સમજાવે. અત્યારે આપણે યુ.કે વેરિયન્ટનો સામનો કરી રહ્યા છીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન જરૂરી છે. આ વિશે વાત કરતા ડોક્ટર તુષાર પટેલ કહે છે, ઘરે આઇસોલેશનમાં રહેનારને પોતે ઓક્સિમીટર અને થર્મોમીટર ઘરે રાખવું જોઈએ. તેની સાથે ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા પેરાસીટામોલ રાઉન્ડ ધ ક્લોક દર 8 કલાકે આપવી જોઈએ. જેને શ્વાસ ચડે ઓક્સિજન લેવલ ઘટવા લાગે, અશક્તિ લાગે તેમને હોસ્પિટલમાં જવાની જરૂર છે. ઊંધા સૂવાથી ઘણો ફાયદો થાય છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તબીબો દિવસ-રાત રજાઓ લીધા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એવામાં છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યા છે.