કોરોનાને અટકાવવા માટેનું અભિયાન દેશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.. રાજ્યોના વહીવટી તંત્ર દ્વારા તબલીગી જમાતના આયોજનમાં હાજરી આપનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ દરમિયાન દેશભરમાં બુધવારે 437 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે.
જમાતમાં ભાગ લેનારા 5000થી વધુ લોકોને અલગ રાખવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક લોકોને વિવિધ રાજ્યોની અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત, તમિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય ઠેકાણે 2000 જેટલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ યાદીમાં વિદેશીઓ પણ સામેલ છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, એવા પણ કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે, જેઓ દિલ્હીથી પોતાના હોમ સ્ટેટ પહોંચ્યા નથી. કોરોના પોઝિટિવના આંકડામાં વૃદ્ધિ તબલીગી જમાતના કારણે થઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 437 નવા કેસો સાથે દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1834 થઈ ગઈ છે. આ સાથે જ 41 લોકોના મોત નીપજ્યાં છે. જો કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, કુલ કોરોના પોઝિટિવ કેસો 1894 થઈ ચૂક્યા છે, જ્યારે 55 લોકો મોતને ભેટ્યા છે.