કોરોના વાઇરસની નવી લહેર સામે લડી રહેલું ભારત સામે વધુ એક મોટો પડકાર સામે આવ્યો છે. એક્સપર્ટ મુજબ ભારતમાં કોરોના મ્યૂટેન્ટ તૈયાર થઇ ગયો છે, જે સ્વદેશી છે. એવામાં દેશમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ પાછળ આ જ એક મોટું કારણ હોઇ શકે છે. આ મ્યૂટેન્ટ B.1.618 છે, મહારાષ્ટ્રમાં થયેલ જીનોમ સ્કિવેન્સિંગમાં તેની જાણ થઇ છે.એક્સપર્ટ મુજબ B.1.618ના સૌથી વધુ કેસો છેલ્લા એક મહિનામાં પશ્ચિમ બંગાળમાં સામે આવ્ચા છે. આ પ્રકારના મ્યૂટેન્ટના કેટલાક કેસ અમેરિકા, સ્વિટઝરલેન્ડ, સિંગાપોર અને ફિનલેન્ડમાં પણ દેખાયા છે. દેશમાં આ મ્યૂટેન્ટના 130 કેસ મળ્યા છે, તેમાંથી 129 બંગાળમાં છે. જ્યારે વિશ્વમાં આ મ્યૂટેન્ટના જેટલા કેસ સામે આવ્યા છે, તેના 62.5 ટકા ભારતમાં જ છે. આ જ કારણ છે કે ભારતમાં આ મ્યૂટેન્ટને લઇ એક્સપર્ટ ચિંતામાં મુકાયા છે. નવી દિલ્હીમાં CSIR-IGIBમાં રિસર્ચર વિનોદ સકારિયાએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર જાણકારી આપી છે કે E484K એક ખતરનાક વેરિઅન્ટ છે.
આ નવા વેરિઅન્ટના કારણે હવે બંગાળને લઇ ચિંતા વધવા લાગી છે, કારણ કે ત્યાં હાલ ચૂંટણી યોજાઇ રહી છે, જેના પરિણામ 2 મેના રોજ આવશે. એક્પર્ટનું કહેવુ છે કે અત્યારે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે બંગાળમાં વધી રહેલા કોરોનાના કેસો પાછળ આ વેરિઅન્ટ જવાબદાર છે. જોકે આ વેરિઅન્ટ સાથે સંબંધિત જે નંબર સામે આવી રહ્યા છે, તે બંગાળમાં જ સૌથી વધુ છે. ભારત દ્વારા જે ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેના મુજબ B.1.618ની અસર હાલ 12 ટકા છે, જે છેલ્લા 60 દિવસમાં ફેલાયેલો ત્રીજો સૌથી મોટો મ્યૂટેન્ટ છે. આ ઉપરાંત B.1.618 28 ટકા સુધી ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે B.1.1.7 યૂકે વેરિઅન્ટ છે. ભારતમાં અત્યાર સુધી યૂકે, આફ્રિકા, બ્રાઝિલ વેરિઅન્ટ મળી આવ્યા છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2,94,115 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આ પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઉંચો આંકડો છે. જ્યારે 2020 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા 1,56,09,004 છે. હાલ દેશમાં 21,50,119 દર્દીઓ સારવાર અંતર્ગત છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના 13.8 ટકા જેટલા છે.