કોરોના વાયરસથી સૌથી વધુ અસર દિલ્હી અને મુંબઇમાં થઈ હતી પણ છેલ્લાં 24 કલાકમાં નવા કેસની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 12000ની નજીક પહોંચી ગયા છે, જેમાં 392 લોકોના મોત પણ થઇ ચૂકયા છે. જો કે સારી વાત એ છે કે આ ખતરનાક દિલ્હીમાં બુધવારના રોજ માત્ર 17 નવા કેસ સામે આવ્યા જે આખા એપ્રિલમાં કોઇ એક દિવસનો સૌથી ઓછો આંકડો છે. આવી જ રીતે મુંબઇમાં બુધવારના રોજ નવા કેસમાં એક દિવસ પહેલાંની સરખામણીમાં 35 ટકા ઘટાડો આવ્યો છે. મોતના કેસ પણ માત્ર 2 આવ્યા છે જે છેલ્લાં 11 દિવસમાં સૌથી ઓછો હતો.
નવા કેસમાં સતત વધારાની વચ્ચે બુધવારના રોજ માત્ર 866 નવા કેસ સામે આવ્યા. તેના એક દિવસ પહેલાં એટલે કે મંગળવારની સરખામણીમાં આ અંદાજે 25 ટકા ઓછો છે. આ સપ્તાહે નવા કેસમાં પણ આ સૌથી ઓછો આંકડો છે. સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના 1200થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. મંગળવારના રોજ પણ અંદાજે 1100 નવા કેસ સામે આવ્યા. જો આજે પણ આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો ભારત કોરોના વાયરસના કર્વને ફ્લેટ કરવામાં ઝડપથી સફળ થઇ શકે છે
દેશમાં મહારાષ્ટ્ર બાદ દિલ્હી કોરોના વાયરસથી બીજું સૌથી પ્રભાવિત રાજ્ય છે. છેલ્લાં કેલટાંક દિવસથી દિલ્હીમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધતો રહ્યો હતો. તેના પર બુધવારના રોજ બ્રેક લાગી ગઇ. ગઇકાલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 17 જ નવા કેસ સામે આવ્યા જે આખા એપ્રિલ મહિનામાં કોઇ એક દિવસનો સૌથી ઓછો આંકડો છે. બુધવારના રોજ દિલ્હીમાં કોરોનાથી બેના મોત થયા આથી હવે અહીં મોતનો આંકડો 32 પર પહોંચી ગયો છે