જીવલેણ વાયરસના કહેર સામે જજૂમી રહેલા ચીનના વુહાન પ્રાંતમાં ફસાયેલા 324 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ તમામ લોકો કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં ફસાયા હતા. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાનું 423 સીટર બોઈંગ 747 વિમાન ચીન મોકલવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, હુબેઈ પ્રાંતમાં વસતા ભારતીયોની સંખ્યા 1200ની આસપાસ છે. ચીનમાં ફસાયેલા અન્ય લોકોને લાવવા માટે એર ઈન્ડિયાના બીજા વિમાનને આજે વુહાન મોકલવામાં આવી શકે છે. બીજી તરફ ચીનમાં કોરોના વાયરસથી મરનારાના લોકોની સંખ્યા વધીને 259 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ વાયરસથી ચેપી 11 હજાર કેસો સામે આવ્યા છે.
જણાવી દઈએ કે, જે વિમાનથી લોકોને પરત લાવવામાં આવ્યા છે, તેમા રામમનોહર લોહિયા હોસ્પિટલના 5 ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ હાજર હતો. આ ઉપરાંત વિમાનમાં જરૂરી દવાઓ, માસ્ક અને ભોજન પણ રાખવામાં આવ્યું હતું. આ વિમાનમાં એન્જિનિયરો અને સુરક્ષાકર્મચારીઓની ટીમો પણ હતી.