ભારતમાં બેકારીનો દર આસમાને છે. માત્ર બી. કોમ કે 12 પાસ જ નહીં એન્જિનિયરિંગ, બી. ટેક અને માર્સ્ટ્સ કરીને પણ યુવાનો પણ આજે નોકરી માટે ભટકી રહ્યા છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના જણાવ્યા મુજબ ગયા ફેબ્રુઆરી 2018માં બેરોજગારીનો દર 5.9 ટકા હતો, તે 2019 સુધીમાં 7.2 ટકાના ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક ન્યૂઝ એજન્સીએ પોતાના એક રિપોર્ટમાં બેરોજગાર યુવાનો અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
રિપોર્ટ મુજબ સંતોષ ગૌરવ(27) નામના એક યુવકે નાના શહેરમાં સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજમાંથી બી. ટેકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સંતોષે વિચાર્યું હતું કે, એન્જિનિયરિંગ પાસ આઉટ થતાની સાથે જ તેને નોકરી મળી જશે પરંતું પાસ કર્યાના 6 માસ બાદ પણ તેને નોકરી મળી ન હતી. છેવટે તેણે ગ્રાઇન્ડર્સ, ટેબલ ફેન અને અન્ય ઘર વખરીના સામાનોનું સમારકામ કરવાનું શરૂ કર્યું છે. તે મહિનાના માત્ર ત્રણ હજાર રૂપિયા કમાઈ શકે છે.
આ અંગે વાત કરતા સંતોષે જણાવ્યું હતું કે, તેણે લગભગ 2,78,551 રૂપિયાની શિક્ષણ લોન લીધી છે, હવે તે લોનની ભરપાઇ કરી શકે તેમ નથી. રોજગાર મેળામાં તેણે પીએમ મોદીએ આપેલા વચનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કરોડો રોજગારની તકો ઉત્પન્ન કરવાની વાત કરી હતી.
ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો ડિગ્રી લઇને કોલેજમાંથી બહાર તો આવી રહ્યા છે પરંતુ રોજગાર અને સ્કિલ્ડ ફોર્સ તૈયાર કરવામાં કયાંક શિક્ષણ પદ્ધતિમાં પણ ઉણપ છે. હકીકતમાં આજે કંપનીઓ સસ્તું લેબર જ નહીં સ્કિલ્ડ લેબર પણ માંગે છે, જે તેમની ગણવત્તા મુજબ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરી શકે. એસેસ્મેન્ટ ફર્મ એસ્પાઇરિંગ માઇન્ડ્સના સહ-સ્થાપક વરુણ અગ્રવાલે રોયટર્સને જણાવ્યું હતું કે, ભારતમાં પાસ થનારા 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ રોજગાર માટે યોગ્ય હોતા નથી. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થી બેઝિક કોડ પણ લખી શકતા નથી. આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અંગ્રેજી ભાષા પણ યુવાનો માટે એક મોટી સમસ્યા છે. જેને લીધે તેમને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે.