સાયક્લોન આજે આંધ્રપ્રદેશના તટીયવિસ્તાર પર ત્રાટકે એવી શક્યતા છે. જેના પગલે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. પેથાઈના પગલે તંત્ર હાઈ એલર્ટ પર છે. સ્કૂલોમાં પણ બે દિવસ માટે રજા આપી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ ચક્રવાત આગળ વધી રહ્યુ છે. આજે સાયક્લોન કાકીનાડા અને વિશાખાપટ્ટનમ પર ત્રાટકે એવી શક્યતા છે.
રાજ્ય સરકારના રિયલ ટાઈમ ગવર્નેસ સોસાયટીએ તમામ તટીય જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયુ છે. તો ચક્રવાતના પગલે બચાવ દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. રવિવારે રાજ્યના અનેક વિસ્તારો ગજપતિ, ગંજમ, રાયગઢા અને કાલાહાંડીમાં વાદળો છવાયેલા જોવા મળ્યા. 45થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલો પવન આજે 100 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા 18 ડિસેમ્બર સુધી ઓડિશાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જ્યારે કેટલાક વિસ્તારમાં મધ્યથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારમાં ‘પેથાઇ’ ચક્રવાતનો ખતરો વધી રહ્યો છે. જેના પગલે બંને રાજ્યમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.