કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં જોવા મળેલ કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ વધુ ઘાતક સાબિત થયો છે. વાઇરસની ઘાતકતાના કારણે સરકારની ચિંતા પણ વધી છે. કોરોના વાઇરસની બીજી લહેર બાદ વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે ચિંતા વધારી રહ્યો છે. એઈમ્સ અને નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યુ કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બે ડોઝ લીધા બાદ પણ કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ રસી લેનારને સંક્રમિત કરી રહ્યો છે.એઈમ્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ બ્રિટેનમાં જોવા મળેલા આલ્ફા વેરિન્ટ કરતા 40થી 50 ટકા વધુ શક્તિશાળી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બે ડોઝ લેનાર પર બે અધ્યયન કરવામાં આવ્યા. બન્ને અધ્યયના આધારે એવું કહેવામાં આવ્યુ કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બે ડોઝ લેનારને આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટથી કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે. પરંતુ આ સંક્રમણ આલ્ફા કરતા ડેલ્ટાનું વધારે હતુ.
એઈમ્સ અને આઈજીઆઈબીના અભ્યાસમાં 63 જેટલા લોકોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ. 63માંથી 53 લોકોને કોવેક્સિન અને અન્યને કોવિશીલ્ડનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 36 લોકો એવા હતા જેમને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. ડેલ્ટા વેરિયન્ટના કારણે રસીના બન્ને ડોઝ લેનાર 60 ટકા સંક્રમિત થયા. જ્યારે રસીનો એક ડોઝ લેનારમાં સંક્રમણની સંખ્યા 76.9 ટકા રહી હતી. અભ્યાસમાં એવું પણ સામે આવ્યું કે, ડેલ્ટા વેરિયન્ટથી જે વધારે સંક્રમિત થયા તે તમામને કોવિશિલ્ડ આપવામાં આવી હતી. દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ડેલ્ટા વેરિયન્ટ સામે આવ્યો. જેના કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી. ડેલ્ટાના કારણે ભારતમાં અનેક લોકોના કોરોનાથી મોત થયા છે. પરંતુ કોરોનાના અલગ-અલગ વેરિયન્ટ દેશ અને દુનિયા માટે ચિંતા વધારી રહ્યા છે. જે આગામી સમયમાં વધારે ઘાતક પણ બની શકે છે.