દિલ્હીની ગુડિયા ગેન્ગરેપ કેસનો નિર્ણય આવી ગયો છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે બન્ને આરોપીઓ પ્રદીપ અને મનોજને દોષી ગણાવ્યા છે. કોર્ટે પોક્સો, કિડનેપિંગ, ગેન્ગરેપ અને પુરાવાને નષ્ટ કરવા મામલે દોષી ઠેરવ્યા છે. દોષીઓએ 5 વર્ષની બાળકી સાથે 24 કલાક સુધી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.
આ કેસ તે સમયે ચર્ચામાં આવ્યો જ્યારે નિર્ભયા કેસના 4 મહિના બાદ જ 15 એપ્રિલ 2013માં 5 વર્ષની ગુડિયાનું 2 લોકોએ અપહરયણ કરી તેની પર ગેન્ગરેપ કર્યો હતો. કોર્ટ 30 જાન્યુઆરીએ સજા પર ચર્ચા કરશે. બન્ને આરોપીઓ પર હવે ભારતીય દંડ સંહિતાની કલમ 363,376 અને 377 હેઠળ સજા સંભળાવવામાં આવશે. દોષી વિરૂદ્ધ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ પણ સજા સંભળાવવામાં આવશે.
રેપ બાદ બન્ને આરોપીઓએ ગુડિયાને જીવથી મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. 15 એપ્રિલ 2013ની સાંજે ગુડિયા પોતાના ગાંધીનગર સ્થિત ઘરેથી લાપતા થઇ હતી અને 17 એપ્રિલની સવારે ઘર પાસે મળી હતી. તે બાદ તેને સારવાર માટે એમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યા ડોક્ટરોએ તેના શરીરની અંદરથી તેલની શીશી અને મીણબત્તી કાઢી હતી. કેટલાક દિવસ સુધી ગુડિયાની હાલત હોસ્પિટલમાં નાજુક હતી.
પત્રકાર પર કર્યો હુમલો
દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં બે દોષીમાંથી એકે સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર આવતા સમયે પત્રકારો પર હુમલો કર્યો હતો અને મોબાઇલ ફોન છીનવાનો પ્રયાસ પણ કર્યો હતો.