વૃક્ષ કપાવાથી શું નુકસાન થાય એ બધાને ખબર છે, સિવાય કે સરકાર. કેમ કે વિવિધ રાજ્યોની અને કેન્દ્ર સરકાર વિવિધ પ્રોજેક્ટ માટે સેંકડો-હજારો વૃક્ષોનો ખાત્મો બોલાવવાની મંજૂરી આપતી જ રહે છે. સતત કપાતા વૃક્ષોમાં દિલ્હીનો સમાવેશ થઈ ગયો છે. અહીં છેલ્લા 13 વર્ષમાં દર કલાકે સરેરાશ એક વૃક્ષ કપાયુ છે. તેર વર્ષમાં 1.10 લાખથી વધારે વૃક્ષોને વાઢી નખાયા છે.હવે દક્ષિણ દિલ્હીમાં વિકાસના નામે વધુ 14 હજાર વૃક્ષો કાપી નાખવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. દિલ્હી હાઈકોર્ટ અને સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનરના આદેશ પછી દિલ્હી સરકારે વેબસાઈટ પર ટ્રી કટિંગની આંકડાકિય વિગતો મુકી છે.આંકડા પ્રમાણે સરકારની જ વિવિધ એજન્સીઓએ વિવિધ કારણો આગળ ધરીને વૃક્ષોનો સોથ વાળ્યો છે. એમાં પણ સૌથી વધારે વૃક્ષો કોઈએ કાપ્યા હોય તો એ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) છે. એ ઉપરાંત દિલ્હી મેટ્રો, રેલવે ડિપાર્ટમેન્ટે વગેરેએ પોતાની રીતે વૃક્ષો કાપ્યા છે.જગતના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સ્થાન ધરાવે છે. એ ઉપરાંત પર્યાવરણની દૃષ્ટિએ દિલ્હીની સ્થિતિ ખાડે જઈ રહી છે. ઉનાળામાં ત્યાં આકરી ગરમી પડે છે, તો વળી શિયાળામાં શહેર થીજી જાય છે. વરસાદ પડે ત્યારે પાણી નીકળી શકતું નથી. એ બધા પરિણામ છતાં દિલ્હી સરકાર વૃક્ષો કાપવાના વિકલ્પ પર વિચારણા કરી રહી છે.અગાઉ દિલ્હીની આપ સરકારે એવી દલીલ કરી હતી કે અમારી સરકાર 2015માં સત્તા પર આવી છે. એ પહેલા વૃક્ષો કપાયા એમના માટે અમે જવાબદાર નથી. પરંતુ 2015 પછી વૃક્ષો કપાયા તેના વિશે સરકાર કશું બોલતી નથી. જોકે એ વાત પણ સાચી કે મોટા ભાગના વૃક્ષો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 2005-10 વચ્ચે કપાયા છે. ખાસ તો કોમનવેલ્થ સ્પોર્ટ્સ ઈવેન્ટ વખતે મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા હતા. આ જ રીતે વૃક્ષો કપાતા જશે તો રાજધાની રણ બની જશે.
