દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. સીટ જીતવાનું તો દૂર પણ કોંગ્રેસના 67 ઉમેદવારોની ડિપોઝીટ પર જપ્ત થઇ ગઇ છે. કુલ મતદાનમાંથી પાર્ટીને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે.
જો કોઇ ઉમેદવારને ચૂંટણી ક્ષેત્રમાં કુલ મતદાનના છ ટકા મત પણ ન મળે તો તેની ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાની પુત્રી શિવાની ચોપડાની કાલકાજી સીટથી ડિપોઝીટ જપ્ત થઇ છે. ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા પણ એમની ડિપોઝીટ બચાવી શક્યા નથી. ચૂંટણી પહેલા તેઓ આપ છોડી કોંગ્રેસ સાથે જોડાયા હતા.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રીની પુત્રી પ્રિયંકા સિંહ તેમજ કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ કીર્તિ આઝાગની પત્ની પૂનમ આઝાદની પણ ડિપોઝીટ જપ્ત થઇ ચૂકી છે. આ સિવાય ગાંધી નગર, બાદલી અને કસ્તૂરબા એમ ત્રણ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો એમની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે. હારને સ્વીકારતા કોંગ્રેસે મુખ્યમંત્રી કેજરીવાલને જીતના અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે તે જનાદેશનો સ્વીકાર કરે છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના નવનિર્માણનો સંકલ્પ લે છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી હતી.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે જનતાએ જનાદેશ આપ્યો છે. જનાદેશ કોંગ્રેસની વિરુદ્ધ પણ આપ્યો છે. અમે કોંગ્રેસ તરફથી આ જનાદેશનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ.