વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણોમાં દિલ્હી હાઇકોર્ટે આજે મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધી સરન્ડર થવાનો સમય આપ્યો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઇ રહી છે.
દિલ્હી હાઇકોર્ટે ચુકાદો વાંચતા કહ્યું, ‘1947માં થયેલા વિભાજન વખતે ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી. 37 વર્ષ બાદ દિલ્હીમાં ફરી એકવાર આવી ઘટના ઘટી. આરોપી રાજકીય સંરક્ષણનો લાભ ઉઠાવી બચી ગયા. આ ચુકાદો જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેંચે સંભળાવ્યો છે.
નોંધનીય છે કે પૂરા 34 વર્ષ પછી કોર્ટે સજ્જન કુમારને સજા સંભળાવી છે. જ્યારે આ પહેલા તેમને છોડી મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ 1 નવેમ્બર, 1984ના રોજ દિલ્હીના કેંટ વિસ્તારના રાજ નગરમાં પાંચ શીખોની હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને છોડી મુકવાના નિચલી અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.