દિલ્હી હાઈ કોર્ટે એક ચુકાદો આપતા કહ્યું છે કે કે પતિના કુલ પગારનો એક તૃતિંયાશ ભાગ પત્નીને ભથ્થા રૂપે આપવો પડશે. કોર્ટે કહ્યું હતું કે પતિના પગારના આધારે ભથ્થાની ફાળવણી નક્કી કરવામાં આવશે. આ અંતર્ગત એવો નિયમ છે કે પતિ પર તેમના માતા-પિતા કે અન્ય કોઈ નિર્ભર ન હોય તો તેના કુલ પગારને બે હિસ્સામાં વહેંચવામાં આવે જેમાંથી એક હિસ્સો પતિ પાસે અને એક હિસ્સો પત્નીને આપવામાં આવશે. કોર્ટે અપીલકર્તા મહિલાની અરજી પર ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે પતિના પગારમાંથી 30% હિસ્સો પત્નીને આપવામાં આવે.
મહિલાના લગ્ન 7 મે 2006ના રોજ થયા હતા તેના પતિ CISFમાં ઈન્સપેક્ટર છે. 15 ઓક્ટોબર 2006ના રોજ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ પતિ પાસેથી ગુજરાન ભથ્થું માંગવા માટે અરજી કરી હતી. 21 ફેબ્રુઆરી 2008ના રોજ મહિલાનું ગુજરાન ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું. કોર્ટે તેના પતિને આદેશ કર્યો હતો કે પોતાના કુલ પગારમાંથી 30% રકમ પત્નીને ચૂકવવી પડશે. જોકે બાદમાં પતિએ આ ચુકાદાને પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે ગુજરાન ભથ્થું 30%થી ઘટાડીને 15% કરી આપ્યું હતું. કોર્ટના આ ચુકાદાને પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
મહિલાના વકીલે દલીલ કરી કે ટ્રાયલ કોર્ટે ગુજરાન ભથ્થું ઘટાડીને 15% કરી આપ્યું હતું પરંતુ તે પાછળનું કોઈ યોગ્ય કારણ જણાવ્યું ન હતું . બાદમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવાએ ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે 21 ફેબ્રુઆરી 2008ના રોજ જે 30% ગુજરાન ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું તેટલું જ ભથ્થું મહિલાને આપવામાં આવશે. કોર્ટે આદેશ કર્યો કે પતિના કુલ પગારમાંથી 30% રકમ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ જ પતિનો પગાર તેના ખાતામાં જમા કરવામાં આવે.