આજે દેશભરમાં નાગરિકતા સુધારણા કાયદાનાં વિરોધમાં લોકો રસ્તે આવી ગયા છે. ત્યારે આવા માહોલમાં ભાજપ આજે દિલ્હીમાં ધન્યવાય રેલીનું આયોજન કરવા જઇ રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 1734 ગેરકાયદેસર વસાહતોને નિયમિત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે ભાજપે સવારે રામલીલા મેદાન ખાતે એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે. પીએમ મોદી સવારે 11 વાગ્યે આ રેલીમાં ભાગ લેશે. રામલીલા મેદાન ખાતે યોજાનારી આ રેલીમાં 2 લાખ લોકો પહોંચશે તેવી સંભાવના છે.
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની 1734 ગેરકાયદેસર વસાહતોને નિયમિત કરવાની ભેટ આપી છે. આ નિર્ણયથી 40 લાખ લોકોને માલિકીનો હક મળ્યો છે. આ નિર્ણય બાદ દિલ્હી ભાજપ દ્વારા આભાર વિધિ રેલી યોજવામાં આવી છે. આ રેલી વિશાળ ભીડને આકર્ષિત કરે તેવી સંભાવના છે. વળી, આ વિશાળ રેલી સાથે, ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.
દેશનાં ગુપ્તચર વિભાગનાં ઉચ્ચ સ્થાનવાળા સ્ત્રોતે આ રેલીને લઈને ચેતવણી જારી કરી છે. ચેતવણી મુજબ, રામલીલા મેદાન ખાતે યોજાનારી આ વિશાળ રેલી દરમિયાન પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાનો બનાવી શકે છે. ગુપ્તચર વિભાગે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ અને દિલ્હી પોલીસને એલર્ટ જારી કર્યું છે. ગુપ્ત માહિતી અનુસાર આ રેલીમાં પીએમ મોદીને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં કાર્યકર્તાઓને દિલ્હીમાં એકત્રીત કરવામાં આવ્યા છે.
બાતમીનાં પગલે આ રેલી માટે સુરક્ષાનાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) અને દિલ્હી પોલીસ રામલીલા મેદાન પર સુરક્ષાની જવાબદારી લેશે. બ્લુ બુકનાં પ્રકરણ 10 માં સમાયેલ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. સીસીટીવી દ્વારા સુરક્ષા પર નજર રાખવામાં આવશે. અહી જગ્યા-જગ્યાએ ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.