તમે ક્યારેય 600 રૂપિયાનું પાન ખાધું છે? યમુઝ પંચાયત નામનાં આ પાર્લર પર સોનાનો વરખ ચડાવેલું ટેસ્ટી પાન મળે છે. પાર્લરે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ પાન કેવી રીતે બનાવે છે તેનો વીડિયો શેર કર્યો છે. ગોલ્ડ પાનનું નામ ‘રફેલો પાન’ આપ્યું છે આ પાન પર સોનાનો વરખ ચઢાવતા પહેલાં સૂકી ખજૂર, ઈલાયચી, લવિંગ, ગુલકંદ, મીઠી ચટણી, કોપરાનું છીણ અને ચેરી મૂકી. ત્યારબાદ પાન વાળીને તેની પર સોનાનો વરખ ચડાવ્યો. આ પાન બનાવનાર મહિલાએ દાવો કરતા કહ્યું, અમુક ક્વોન્ટિટીમાં ગોલ્ડ ભોજનમાં સામેલ કરવાથી તે દિલ માટે ફાયદાકારક છે. ભોજન પછી આ ગોલ્ડ પાન ખાવાથી એકદમ રેફ્રેશિંગ લાગશે.આ વીડિયો જોતા યુઝર્સે કમેન્ટનો વરસાદ કરી દીધો છે. એક યુઝરે કમેન્ટ કરી લખ્યું, આવું પાન પહેલીવાર જોયું. બીજા યુઝરે કહ્યું, 600 રૂપિયામાં માત્ર એક પાન ! ભાવ થોડો વધારે છે. તો અન્ય યુઝરે લખ્યું, 600 રૂપિયામાં તો હું આખા વર્ષના પાન ખાઈ લઉં. ઇન્ટરનેટ પર રફેલો પાનને મિક્સ કમેન્ટ મળી છે, પણ તેણે સોનાના વરખથી લોકોનું ધ્યાન ચોક્કસ ખેંચ્યું છે.
