દિલ્હીમાં વધી રહેલા હવાના પ્રદૂષણ વિશે દરેક કોઈ માહિતગાર છે, તેવામાં મોટાભાગના લોકો શહેરમાં શુદ્ધ હવાની શોધ કરી રહ્યા છે. દિલ્હીના આજુબાજુના રાજ્યો તેમના ખેતરમાં ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાંથી લઈને નવેમ્બરના શરૂઆતના અઠવાડિયાં દરમિયાન પરાલી (CRM- crop residue burning) સળગાવે છે, જેને કારણે હવા જીવલેણ બની જાય છે. આ સમસ્યાનો જુગાડ દિલ્હીમાં આવેલ ઓક્સિજન બારે શોધી લીધો છે. ‘ઓક્સિ પ્યોર’ બાર દુનિયાનો પ્રથમ બાર છે કે, જે શ્વાસમાં લેવાલાયક ઓક્સિજનની ઓફર કરે છે. ઓક્સિ પ્યોર બાર નવી દિલ્હીમાં સિટીવોલ્ક મોલ, સાકેતમાં આવેલો છે. રોજ બારની મુલાકાત 10થી 15 ગ્રાહકો લે છે.
ઓક્સિ પ્યોર બારમાં 15 મિનિટની થેરાપીના 299 રૂપિયા
આમ તો આ ઓક્સિ પ્યોર બાર મે મહિનામાં આર્યવીર કુમારે લોન્ચ કર્યો હતો, પણ દિવાળી પછી દિલ્હીમાં હવાના પ્રદૂષણે હવાની ભયજનક સપાટી વટાવી દેતા તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઓક્સિ બારની મીડિયાએ ફરીથી નોંધ લીધી છે. આ બાર બહારથી દરેક બાર જેવો સરખો જ લાગે છે પણ તેને અલગ ઓક્સિજન પાડે છે. અહીં આવતા ગ્રાહકોને ફ્રેશ એર શ્વાસમાં લેવા માટે 15 મિનિટનાં 299 રૂપિયા ચૂકવવાના રહેશે. બારનો દાવો છે કે, અમે જે થેરાપી આપીએ છીએ તેનાથી યાદશક્તિ, એકાગ્રતા, વધુ એનર્જી લેવલ અને ડિપ્રેશનથી છૂટકારો મળે છે. એક થેરાપીમાં ગ્રાહક 4થી 5 વખત નોર્મલ ઓક્સિજન શ્વાસમાં લઈ શકે છે.
95 ટકા પ્યોર ઓક્સિજન
હવે વાત રહી ઓક્સિજનની તો આ બારમાં ગેસ ઓક્સિજન કોન્સનટ્રેટરની મદદથી પ્રોડ્યુસ કરવામાં આવે છે. આ મશીન હવામાંથી ઝેરી ગેસ અને નાઇટ્રોજન વાયુને દૂર કરે છે. કંપનીનો દાવો છે કે, ફિલ્ટરની મદદથી પ્રોડ્યુસ થયેલ ઓક્સિજન 95 ટકા પ્યોર હોય છે.ઓક્સિ પ્યોર બારની કસ્ટમર અંજનાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, દિલ્હીની પોલ્યુટેડ હવા વચ્ચે આ બાર ફ્રેશ ઓક્સિજન આપે કરે છે. સ્ટોરનાં ઓપરેટર અજય જ્હોન્સને જણાવ્યું કે, આ પ્રકારનો બાર દિલ્હીનો પ્રથમ બાર છે. હાલ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘણું વધારે છે, તેવામાં અમારી પ્રોડક્ટ શુદ્ધ હવા આપે છે. એટલું જ નહીં પણ અમે પોર્ટેબલ ઓક્સિજન પણ ગ્રાહકોને આપીએ છીએ, જે તેઓ તેમની સાથે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે છે.