India News:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડોશી દેશ શ્રીલંકા અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ નજીકના મોરેશિયસને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓ શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ થશે. 12 ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમ સિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથની હાજરીમાં મોબાઈલ આધારિત ડિજિટલ પેમેન્ટ સેવાઓ શરૂ કરશે.
વિદેશ મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ અને મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાઓ 12 ફેબ્રુઆરીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ કરવામાં આવશે. સરકારે કહ્યું કે વડાપ્રધાન મોદી સિવાય શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન જુગનાથ આ ઉદ્ઘાટનના સાક્ષી બનશે.
અગાઉ 2 ફેબ્રુઆરીએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આઇકોનિક એફિલ ટાવર ખાતે UPI લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જયપુરમાં UPI ચુકવણીની સુવિધાનો અનુભવ કર્યો. ઉલ્લેખનીય છે કે ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમ (UPI) સિંગાપોર અને UAE સહિત અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.