કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો છે. એ વિવાદને ઉકેલવા માટે તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ૨૧મી એપ્રિલે અહેવાલ રજૂ કરશે.હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ વર્ણનો મળે છે તેના કારણે હવે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૃ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે હનુમાનજીએ ખુદ સીતાજીને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું એ પ્રમાણે તેમનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. અગાઉ કર્ણાટકે દાવો કર્યો હતો કે અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો.બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે હનુમાનજીનો જન્મ તિરૃપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો.
આ મુદ્દે સતત દાવા થઈ રહ્યાં હોવાથી તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાને (ટીટીડી) વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા જણાવ્યું હતું. તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાન અંતર્ગત એક વૈદિક સમિતિ છે, જે વૈદિક બાબતોની ખરાઈ કરે છે. એ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો છે.અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે.હનુમાનજીનો જન્મ ગુજરાતમાં થયો હોવાની પણ એક માન્યતા છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં માન્યતા છે કે હનુમાનજીનો જન્મ એક ગુફામાં થયો હતો, જે અત્યારે અંજની ગુફાના નામે ઓળખાય છે. રામાયણકાળમાં ડાંગ પ્રદેશ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતો હતો. માન્યતા એવી છે કે આ વિસ્તારમાં જ શ્રીરામ-લક્ષ્મણે શબરીના બોર ખાધા હતા. જે સ્થળ શબરીધામ તરીકે ઓળખાય છે. સ્થાનિક લોકોમાં માન્યતા છે કે ડાંગમાં આવેલાં અંજની પર્વતમાં હનુમાનજીનો જન્મ થયો હતો. અંજની પર્વન પર માતા અંજનીએ આકરી તપસ્યા કરી હતી એ પછી પુત્રરત્ન તરીકે હનુમાનજીનું પ્રાગટય થયું હતું.