દિલ્હી પરિવહન નિગમ(ડીટીસી)એ સોમવારે દિલ્હી-લાહોર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડીટીસીએ આ બસ સેવા 12 ઑગસ્ટ એટલે કે આજથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાંથી વિષેશ રાજ્યનો દરજ્જો છીનવી લીધા બાદથી પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. પાકિસ્તાને શનિવારે દિલ્હી-લાહોર સદભાવના બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે પાકિસ્તાન સરકારે ડીટીસીને એક Emailના માધ્યમથી બસ સેવા બંધ કરવાની જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે. સોમવારે દિલ્હી-લાહોર બસ સેવા સદા-એ-સરહદ સવારે 6 વાગ્યે દિલ્હીથી રવાના થવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા ‘સદભાવના બસ સેવા’ને બંધ કરવાના નિર્ણય બાદ સદા-એ-સરહદાને રવાના કરવામાં ન આવી. આ અગાઉ છેલ્લી વખત શનિવાર સવારે દિલ્હીથી લાહોર સદા-એ-સરહદને રવાના કરવામાં આવી હતી. તે સમયે બસમાં કુલ બે મુસાફરો હતા, જ્યારે પાછા આવવામાં બસ લાહોરથી કુલ 19 મુસાફરોને દિલ્હી લાવી હતી.
20 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી બસ સેવા
દિલ્હી-લાહોર બસ સેવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં શરૂ કરી હતી. અટલ બિહારી વાજપેયી પ્રથમ વખત દિલ્હીથી વાઘા બોર્ડર સુધી બસમાં મુસાફરી કરીને ગયા હતા. ત્યારબાદ આ બસ સેવા સળંગ ચાલુ રહી. જોકે, 2001માં સાંસદમાં થયેલા આતંકી હુમલા બાદ બસ સેવાને રોકવામાં આવી હતી, પરંતુ જુલાઇ 2003માં આને ફરી શરૂ કરી દેવામાં આવી હતી.