અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે તેવી જાહેરાત મંગળવારે વ્હાઇટ હાઉસે કરી દીધી છે અને એની સાથોસાથ અમેરિકી પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી અમદાવાદની વિધિવત મુલાકાત લઇ ભારતીય સમુદાય સાથે સંવાદ કરશે એની પણ ઘોષણા કરી દેવામાં આવી છે.
અલબત્ત, અમેરિકી પ્રેસિડેન્ટના ભારતના પ્રવાસનો વિધિવત કાર્યક્રમ હવે પછી જાહેર થવાનો છે, પરંતુ ૨૪મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર રજૂ કરનાર હતા, હવે આ અંદાજપત્ર ૨૬મી ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ થશે એમ જાહેર કરી દેવાયું છે. એટલે આ બે દિવસમાં કોઇપણ એક દિવસ તેઓ ગુજરાત આવશે. આ મહેમાનોનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાત-ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા સાથે તેમને ગુજરાતની મહેમાનગતિનો અનુભવ કરાવવા તેમજ વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન તથા ‘કેમ છો ટ્રમ્પ?’ સંવાદ કાર્યક્રમ માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં ચારથી વધુ વખત અમેરિકી પ્રેસિડેન્ટ ભારતના પ્રવાસે આવ્યા છે એમાં છેલ્લે માર્ચ ૨૦૧૦માં બરાક ઓબામાએ ત્રણ દિવસની મુલાકાતમાં મુંબઇ અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. ગુજરાતના ઇતિહાસમાં અમેરિકી પ્રેસિડેન્ટની આ પ્રથમ મુલાકાત હોવાથી મોંઘેરા મહેમાનને વિશ્વમાં જાણીતી એવી ગુજરાતની મહેમાનગતિનો અનુભવ કરાવવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટી તંત્ર કેન્દ્ર સરકાર તથા વ્હાઇટ હાઉસના સંકલનમાં રહીને તૈયારીઓનો આરંભ કરી દીધો છે. હવે અમેરિકી પ્રેસિડેન્ટે ભારતની મુલાકાતને વિધિવત રીતે જાહેર કરતાં આ તૈયારીઓના નિરીક્ષણ માટે અમેરિકી સિક્રેટ સર્વિસ, પેંગાટોનના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ ૧૩ ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહી છે એની સાથે ભારતની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી એનઆઇએની ટીમ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ અહીં ધામા નાખનાર છે. આ બન્ને ટીમો સંયુક્ત રીતે પ્રેસિડેન્ટના અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે થનારા આગમનથી માંડીને એમના ગાંધીઆશ્રમ સુધીના રૂટ, ગાંધીઆશ્રમથી સાબરમતી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટ તેમજ મોટેરા સ્ટેડિયમમાં પ્રેસિડેન્ટનું ભારતીય સમુદાય સાથે સંબોધનથી લઇ એરપોર્ટ પરત ફરવા સુધીના રૂટનું સુરક્ષાની દ્રષ્ટીએ નિરીક્ષણ કરશે.
પીએમઓ સાથે સતત સંપર્કમાં રહી અહીં પ્રાથમિક તૈયારીમાં લાગેલા વરિષ્ઠ અધિકારીએ કબુલ્યું હતું કે, ‘હાલ અમારી પાસે કોઇ તારીખ કે સમય આવ્યો નથી, પરંતુ એકાદ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. હાલ અમારું ફોકસ અમેરિકી પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા સાથે અમદાવાદની જનતાને ઓછી અડચણ પડે એવી રીતે ભવ્યાતિભવ્ય સ્વાગતથી લઇને સમગ્ર મુલાકાત યાદગાર બની રહે તેવી રીતે કાર્યક્રમો સંપન્ન કરવા પર છે.’