હિલ્સા અને કેરૂંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે નિધન થયા છે. નેપાળના હુમ્લા જિલ્લાના ઉપજિલ્લાધિકારીના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા તમામ તીર્થયાત્રિકોના શબને તેમના પરિવારજનો સુધી પહોંચાડી આપવામાં આવ્યા છે.

હુમ્લાના જિલ્લા પોલીસ કાર્યાલયના ઈન્સપેક્ટર હરિહર ખડકાના જણાવ્યા મુજબ સુમિત્રા રેડ્ડી નામની મહિલા હિલ્સા જ્યારે અન્ય છ યાત્રિકો કેરૂંગ સરહદ થઈને એક મહિનાથી ચાલી રહેલી માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. તમામ યાત્રિકો દક્ષિણ ભારતના હતા તથા તેમના મૃતદેહોને હિલ્સા-સિમિકોટ થઈને નેપાલગંજ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમના પરિવારને પહોંચાડી આપવામાં આવ્યા હતા.

એક તીર્થયાત્રીના મૃતદેહને નેપાળગંજથી કાઠમંડુ થઈને વિમાન માર્ગે જ્યારે અન્ય છ શ્રદ્ધાળુઓના મૃતદેહને રૂપઈડીહા સરહદેથી સડક માર્ગે મોકલી આપવામાં આવ્યા હતા. હુમ્લાના ઉપજિલ્લાધિકારી મહેશ કુમારના જણાવ્યા મુજબ તમામ તીર્થ યાત્રિકોના મોત તિબ્બતી ભૂ-ભાગમાં અલગ-અલગ સમયે થયા હતા.

ચીનમાં પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું પ્રમાણપત્ર મેળવી લેવામાં આવ્યું હતું. હિલ્સા સરહદ માનસરોવરનું પ્રમુખ રૂપ છે અને અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવરની યાત્રા માટે જઈ ચુક્યા છે.