PUBG ગેમ માત્ર બાળકો માટે જ નહીં પણ યુવાનો માટે પણ ઘણી નુકશાન કારક છે. PUBG ગેમના કારણે ઘણા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે કે, જેમાં કિશોર કે, યુવક આવેશમાં આવીને કોઈની હત્યા કરતા પણ અચકાતા નથી. કેટલીક વાર તો PUBG ગેમના કારણે બાળક આવેશમાં આવીને માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે ત્યારે એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો છે કે, PUBG ગેમ રમવા માટે મોબાઈલનું રીચાર્જ ન કરાવી આપતા એક યુવકે તેના પિતાનું જ ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ કિસ્સો PUBG રમતા કે, બાળકોને PUBG રમવા દેતા પરિવારજનો માટે લાલબત્તી સમાન છે.
એક રિપોર્ટ અનુસાર કર્ણાટકના બેલગાવી જિલ્લાના કાકટી ગામમાં રહેતા રઘુવીર નામનો યુવાન ડીપ્લોમાં કમ્પ્લીટ કરીને નોકરીનો શોધખોળ કરી રહ્યો હતો. રધુવીરને નોકરી ન મળતી હોવાના કારણે તે મોબાઈલ પર PUBG અને ફાઈનલ કોમ્બેટ જેવી ગેમ આખો દિવસ રમતો હતો. રઘુવીર પર આ બે ગેમનું ભૂત એટલું હાવી હતું કે, તે કોઈની પણ વાત માનતો હતો. રઘુવીરના પિતા શેકરપ્પા પોલીસમાં નોકરી કરતા હતા અને ચાર મહિના પહેલા જ રીટાયર્ડ થયા હતા.
શેકરપ્પા રઘુવીરને અવાર નવાર મોબાઈલમાં સખત ગેમ રમવાની મનાઈ કરતા હતા પરંતુ રઘુવીર પિતાની વાત માનતો ન હતો. એક દિવસ શેકરપ્પાએ રઘુવીરને ગેમ રમવાની ના પાડતા તેને આસપાસના રહેવાસીઓના બારીના કાચ પથ્થર મારીને તોડી નાંખ્યા હતા. સ્થાનિક લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે રઘુવીરની ધરપકડક કરી અને થોડી વાર સમજાવીને છોડી દીધો હતો. આ ઘટના પછી રાત્રીના સમયે જ્યારે રઘુવીર મોબાઈલમાં ગેમ રમતો હતો ત્યારે રીચાર્જ પતિ ગયું હતું. જેના કારણે રઘુવીરે શેકરપ્પા પાસેથી પૈસાની માંગણી કરી હતી. મોડી રાત્રે ગેમ ન રમવા માટે પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો.
પિતાના ઠપકાથી લાગી આવતા રઘુવીરે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયે સુતેલા પિતાનું ગળું ચપ્પુથી કાપી નાંખ્યું હતું. શેકરપ્પાની બુમો સંભાળતા રઘુવીરની માતા જાગી ગઈ હતી અને બુમાબુમ કરીને આસપાસના લોકોને બોલાવ્યા હતાં, જ્યાં સુધી આસપાસના લોકો શેકરપ્પા બચાવવા આવે ત્યાં સુધીમાં રઘુવીરે તેના પિતાની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરીને રઘુવીરની ધરપકડક કરી હતી. રઘુવીરે પણ પોલીસની સામે કબુલાત કરી હતી કે, પિતાએ ઠપકો આપ્યો હતો તેના કારણે ગુસ્સામાં આ કાર્ય કર્યું હતું.