સરકાર હવે કોરોના ખતમ થઈ ગયો છે તેમ માની એક પછી એક છૂટ છાટ જાહેર કરી રહી છે પરંતુ વાસ્તવમાં કોરોનાને મોકળુ મેદાન મળી રહયુ છે. લોકો ફરી બેફિકર બનીને ફરશે તો કોરોના ફરી ફૂંફાડો મારશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો હવે માસ્ક પહેર્યા વિના ઘુમી રહયા છે કોઈ ટોકતુ નથી તે જોખમી બનવાની દહેશત છે. રાજકોટમાં નવા કેસમાં સામાન્ય વધારા સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૩૧૮ કેસ અને ર૦ દર્દીઓનાં મોત નીપજયા હતા. રાજયમાં સતાવાર આંકડો કુલ કેસનો ૧૧ર૦ જાહેર કરાયો છે. રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં પ૯ નવા કેસ નોંધાયા હતા, જો કે તેની સામે માત્ર ૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં હાલ પ૯૮ દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં ૩૦ નવા કેસ નોંધાયા હતા તેમાં બે તાલુકા વિંછીયા અને જસદણમાં એક પણ કેસ નહિ અને લોધિકા, પડધરી અને કોટડા સાંગાણીમાં એક – એક કેસનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં આજે બે દર્દીનાં મોત થયા હતા.
જામનગરમાં કોરોનાનાં કેસ પર લગામ આવી રહી છે આજે શહેરમાં ૪૧ અને ગ્રામ્યમાં ૧ર મળીને કુલ ૪૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા છ ગણી વધારે કુલ ૩૦૯ થઈ હતી જેનાથી મોટી રાહત લોકોને મળી છે. દરમિયાન જી.જી. હોસ્પિટલમાં આજે ૬ નાં મોત થયા હતા. જૂનાગઢ શહેરમાં ૧૮, કેશોદમાં ૯ , માંગરોળમાં ૮ સહિત જિલ્લામાં ૬૮ કેસ નોંધાયા હતા તેની સામે ૧૩૮ દર્દીને રજા આપવામાં આવી હતી. આજે જિ.માં ૬૩૬૧ લોકોનું રસીકરણ કરાયુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાનાં કહેરની સાથે કોરોનાનો કહેર એમ બે આફતનો લોકો સામનો કરી રહયા છે. આજે પણ વેરાવળમાં રર, કોડિનારમાં ૧૦ સહિત જિલ્લામાં પ૧ નવા કેસ નોંધાયા છે જયારે કોવિડ પ્રોટોકોલ હેઠળ ૭ દર્દીનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. અમરેલીમાં ર૪ કેસ અને ૩ દર્દીનાં મોત નીપજયા હતા. પોરબંદર જિ.માં પાંચ કેસ, દેવભૂમી દ્રારકામાં ૮ અને મોરબી જિ.માં માત્ર ૩ કેસ નોંધાયા હતા અને ૧ર ને રજા અપાઈ હતી. વાંકાનેર, ટંકારા અને માળીયામાં એક પણ કેસ નોંધાયો નથી. સુરેન્દ્રનગરમાં ૧ , બોટાદમાં ૩ અને ભાવનરગમાં રપ કેસ અને ૧ દર્દીનું મોત થયુ હતુ. સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં આજે એક પણ મોત થયુ ન હોવાનું સામે આવતા લોકોએ હાલ તો હાશકારો અનુભવ્યો છે.