LLBના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે હાઇકોર્ટ થયેલી PIL અને રિટ પિટિશનની સુનાવણી દરમીયાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને સ્વતંત્રપણે નિર્ણય લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ માસ પ્રમોશન આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે નિર્ણય લીધો છે. જો કે ઓનલાઇન ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે. પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં નિર્ણય કરશે. આ પહેલા કોરોના મહામારીને કારણે આ પહેલા રાજ્ય સરકારે ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે સાથે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજોમાં મેડિકલ-પેરામેડિકલ સિવાયના સ્નાતક કક્ષાના ચાલતા અભ્યાસક્રમના બીજા,ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમને મેરિટ બેઇઝ્ડ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.
દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થતાં સ્કૂલ, કોલેજ અને અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જેમાં CA અને CSની પરીક્ષાઓ પણ મોકૂફ રહી હતી. પરંતુ કોરોના નિયંત્રણમાં આવતાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. તે ઉપરાંત ડિપ્લોમા એન્જિયિરિંગમાં પ્રવેશ માટે 10 જૂનથી રજિસ્ટ્રેશન થવાનું હતું તે હવે 17મી જૂનથી થશે. CA ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા 5 જુલાઈથી તથા ફાઉન્ડેશન પરીક્ષા 24મી જુલાઈથી અને CSની તમામ પરીક્ષાઓ 10 ઓગસ્ટથી શરુ થશે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા -ICAI દ્વારા મે-જુન સેશનની CA ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની તેમજ સીએ સંબંધિત અન્ય પરીક્ષાઓની નવી તારીખો તથા પરીક્ષાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે. 21-22મીથી શરૂ થતી ઈન્ટર-ફાઈનલ પરીક્ષાઓ મોકુફ થયા બાદ હવે CA ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ફાઉન્ડેશન પહેલા લેવાશે અને જે હવે એક જ દિવસે 5મી જુલાઈથી શરૂ થશે.