17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકો માટે 26 માર્ચે ચૂંટણીપંચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણીના દિવસે મતગણના પણ થઇ જશે અને મોડી સાંજે પરિણામ પણ આવી જશે. ગુજરાતમાં પણ રાજ્યસભાની 4 બેઠક ખાલી થઇ રહી છે.
ગુજરાતમાં ચાર બેઠકોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઇ રહ્યો છે. સત્તારૂઢ ભાજપ પાસે વર્તમાનમાં ચારમાંથી ત્રણ બેઠક છે, જેમાં એક પર કોંગ્રેસનો કબજો છે. ભાજપના ત્રણ સાંસદનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે જેમાં જૂનાગઢના ચુન્નીભાઇ ગોહેલ, અમદાવાદથી શંભુપ્રસાદ ટુંડિયા અને આમંદના લાલસિંહ બડોદિયા સામેલ છે. કોંગ્રેસના સાંસદ મધુસૂદન મિસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ રહ્યો છે.
જે રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, ઓરીસ્સા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, અસમ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને મેઘાલય સામેલ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી વધુ 19 બેઠક ગુમાવી શકે છે અને ઉચ્ચ સદનમાં પાર્ટી નબળી પડી શકે છે.
રાજ્યસભા ચૂંટણી માટે અધિસૂચના 6 માર્ચે જાહેર કરવામાં આવશે, ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. જે સાંસદોની સભ્યતા સમાપ્ત થઇ રહી છે તેમાં એનસીપીના નેતા શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (આરપીઆઇ-અઠાવલે), કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ (ભાજપ), સીપી ઠાકુર (ભાજપ) જાણીતા ચહેરા છે.
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રણદીપ સુરજેવાલા જેવા મોટા નેતાઓને રાજ્યસભા મોકલી શકે છે. બીજી તરફ બિહારમાં પણ કોંગ્રેસે એક સીટ પર પોતાના નેતાને રાજ્યસભા મોકલવા માટે સહયોગી પાર્ટી રાજદ સામે પ્રસ્તાવ મુક્યો છે. કોંગ્રેસ કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મેઘાલય અને અસમમાં રાજ્યસભાની પોતાની બેઠક ગુમાવશે. જોકે, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તેને કેટલીક બેઠકોનો ફાયદો થશે.