નેશનલ હ્યુમન રાઇટ કમિશનના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે ૪૦ હજાર બાળકોનાં અપહરણ થાય છે. તેમાંથી ૧૧ હજાર બાળકોનો તો પત્તો જ લાગતો નથી. આ બાળકો ક્યાં જતાં હશે ? અહીં માત્ર બાળકો સાથેનાં યૌન દુર્વ્યવહારની વાત નથી. શહેરમાંથી નાનાં નાનાં બાળકોને ઉપાડી જનારી કેટલીક ગેંગ્સ પણ દરેક શહેરોમાં સક્રિય છે. આ બાળકોને પહેલાં સખત ભૂખ્યા રાખવામાં આવે છે તે પછી તેમને ભીખ માગવાની પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવે છે. ક્રૂરતા તો એટલી હદે થાય છે કે આવાં બાળકોને જોઈ લોકોને ભીખ આપવાની દયા આવે એટલે એ બાળકોને અપંગ બનાવી દેવામાં આવે છે. મુંબઈના કેટલાયે ચાર રસ્તાઓ પર દેખાતાં આવાં બાળકો આવી ખતરનાક ગેંગની ગુનાઈત પ્રવૃત્તિનો શિકાર બનેલાં હોય છે.

દર વર્ષે ભારતમાંથી ૧૪ હજારથી ૫૦ હજાર સ્ત્રીઓ અને બાળકો બાજુના પડોશી દેશોમાંથી સેક્સ ટ્રેડ માટે ભારત લાવવામાં આવે છે. નેપાળ અને બાંગ્લાદેશમાંથી ૯થી ૧૦ વર્ષની છોકરીઓને ભારતનાં વેશ્યાલયોમાં તસ્કરી દ્વારા મૂકી દેવામાં આવે છે. ભારતમાં બાળકોની ઉઠાંતરી એક મોટો વ્યવસાય છે. નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા અનુસાર દેશમાં દર ૮ મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે. દિલ્હીમાં રોજ ૧૯ બાળકો ગુમ થાય છે. તેમને બાળમજૂરી, પ્રોસ્ટિટયૂશન, ગેરકાનૂની રીતે દત્તક લેવામાં અને વિવિધ ગુનાઓ આચરવાના કામમાં જોતરી દેવાય છે. ભારતમાં ત્રણ લાખ બાળભિક્ષુકો છે. જે બાળકોના અપહરણ થાય છે તેમાંથી ૪૦ ટકા બાળકોને સેક્સ સંતોષવાનું સાધન બનાવી દેવાય છે. આ એક ચોંકાવનારો આંકડો છે.

ચોંકાવનારી વાત એ છે કે નાના કુમળાં બાળકો સાથે યૌન દુર્વ્યવહાર કરવાની વિકૃતિ અખાતના દેશોમાં રહેતા કેટલાંક માલેતુજારોનો શોખ હોય છે. ભારતમાંથી અપહરણ કરીને ઉપાડી લાવેલા રૂપાળા બાળકો ક્યારેક અખાતના દેશોમાં વેચી દેવામાં આવે છે. એ પછી અરબ રાજ્યોના કેટલાક લોકો તેમની વિકૃત સેક્સને ભોગવવા એ બાળકોનું યૌનશોષણ કરી તેમની પર શારીરિક જુલમ આચરે છે. જાણવા જેવી વાત એ છે કે, અખાતના દેશોમાં રણમાં આવાં નાનાં બાળકોને ઊંટની પીઠ પર બાંધી ઊંટ દોડાવવામાં આવે છે અને ડરી ગયેલાં બાળકો ચીસો પાડે છે. એ ચીસો માણવાનો વિકૃત આનંદ ગલ્ફના કેટલાક ઓઇલ રિચ ધનિકો માણતા હોય છે. આવી છે બાળકોની કરુણ દશા. કોણ બચાવશે તેમને ?