રાજય સરકાર દ્વારા તા.16-09-2019થી મોટર વ્હીકલ્સ અધિનિયમ, 2019નું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ, જાહેર જનતાને પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) મેળવવાનું અને હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી અંગે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી મુદતમાં વધારો કરવાનું નકકી કરવામાં આવ્યો છે.
આ અંગે પીયુસીની મુદતમાં વધારો કરી તા 16-સપ્ટેમ્બર-2019ના બદલે તા.30મી સપ્ટેમ્બર 2019સુધી લંબાવવામાં આવી છે. જયારે HSRP લગાડવાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવેલ છે. જે મુજબ HSRP લગાવવાની કામગીરી તા.16મી ઓકટોબર-2019 સુધી લંબાવી હોવાનું વાહનવ્યવહાર કમિશનરશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટ નો કડકાઈથી અમલ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજ્યભરમાં સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યો છે આટલા ટૂંકા ગાળામાં એટલે કે માત્ર ત્રણ દિવસની અંદર લાયસન્સ તથા પીયુસી કે ઇન્સ્યોરન્સ કઈ રીતે લઈ શકાય આમ છતાં લોકોએ ભારે ધસારો કરતા પીયુસી સેન્ટરો પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી એટલું જ નહીં આરટીઓ ખાતે પણ લાયસન્સ માટે લોકો ધસી ગયા હતા જેને કારણે આરટીઓનું સર્વર પણ બંધ થઈ ગયું હતું
આવી સ્થિતિમાં 16મી સપ્ટેમ્બરથી જુઓ કાયદાનો કડકાઇથી અમલ કરવામાં આવે તો લોકોનો આક્રોશ વધુ ફાટી શકે તેમ હતો જેને ધ્યાનમાં રાખીને સરકાર ને આખરે પીયુસી ની તેમજ હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) ની મુદતમાં વધારો કરવાની ફરજ પડી છે