મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (MSCB) ઘોટાળા મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા શરદ પવાર અને અજિત પવાર સહિત 70 અન્ય પદાધિકારીઓની વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ ઈન્ફોર્મેશન રિપોર્ટ પોલીસની FIRની બરાબર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ તમામ વિરુધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. આ મામલો મુંબઈ પોલીસની FIR આધારિત છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને સહકારી બેંકના 70 પૂર્વ પદાધિકારીઓનું નામ શામેલ છે.જણાવી દઈએ કે, આ કેસ એવા સમયે દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આવતા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.મહત્વપૂર્ણ છે કે NCP ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવાર 10 નવેમ્બર 2010થી 26 સપ્ટેમ્બર 2014 સુધી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી રહ્યાં હતાં.
પોલીસની FIRમાં શું હતું.?
પોલીસે ઓગસ્ટ મહિનાના અંતમાં અજિત પવાર અને અન્ય 70 પદાધિકારોઓ વિરૂદ્ધ આર્થિક અપરાધ શાખા ફરિયાદ પર એમ.આર.એ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અજિત પવારની સાથે અન્ય આરોપીઓમાં પીએન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના નેતા જયંત પાટિલ અને રાજ્યના 34 જિલ્લામાં બેંકના અધિકારીઓ પણ શામેલ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે,તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ 420(છેતરપિંડી અને બેઈમાની), 409(અમલદાર અથવા બેંકર, વ્યવસાયી અથવા એજન્ટ દ્વારા અપરાધિક વિશ્વાસ હનન ),406(અપરાધિક વિશ્વાસ હનન માટેની સજા) 465(છેતરપિંડિ માટેની સજા), 467(કિંમતી ચીજોની છેતરપિંડી) અને 120 બી( ગુનાહિત ષડયંત્રની સજા) આ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, કોર્ટના જસ્ટિસ એસ સી ધર્માધિકારી અને જસ્ટિસ એસ કે શિંદેની પીઠે 22 ઓગસ્ટે કહ્યું કે, મામલામાં આરોપીઓની વિરુદ્ધ નક્કર પુરાવા છે અને આર્થિક અપરાધ શાખાએ પાંચ દિવસોમાં એફઆઈઆર નોંધવા સૂચના આપવામાં આવી હતી.