ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં જંગલમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર(ડીએફઓ) સંદીપ કુમાર મુજબ ભીષણ આગ ઉપર કાબૂ મેળવવા માટે 165 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે તૈનાત છે. 250થી વધુનો સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર છે. પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ બેકઅપ માટે પહેલાંથી જ તૈયાર છે. 25 જગ્યાઓ ઉપર આગ ઉપર કાબૂ મેળવાયો છે.
આ દરમ્યાન 250 હેક્ટર જમીન ઉપર ફેલાયેલી આગ ઓલવવામાં આવી છે. 12 મે સુધી મળેલાં આંકડા મુજબ લગભગ 595 આગની ઘટના સામે આવી છે. ફક્ત ટિહરી ગઢવાલમાં જ આગ લાગવાના 70 મામલા સામે આવ્યા છે. દરેક 13 જીલ્લાઓમાં આગ લાગવાનું સામે આવ્યુ છે.

સૌથી વધારે આગ લાગવાના મામલા અલ્મોડા જીલ્લામાં સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં આ દિવસોમાં જંગલની આગે વિકરાળરૂપ ધારણ કર્યુ છે. પૌડી, અલ્મોડા, નૈનીતાલ અને ચંપાવત જીલ્લામાં બે ડઝનથી વધારે સ્થાનો ઉપર આગ ભડકવાની સૂચના છે. ઉત્તરાખંડનાં જંગલમાં ગરમી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 720 જગ્યાએ આગની ઘટના સામે આવી છે.

જેને પગલે લગભગ 1000 હેક્ટર વન ક્ષેત્ર પ્રભાવિત થયો છે. જેમાંથી 168 આગની ઘટનાઓ મોટી હતી. જંગલમાં આગ લગવાના કારણે દરવર્ષે લગભગ 550 કરોડ રૂપિયાનું નુકસાન દેશને થાય છે. જ્યારે, જંગલની આગના વ્યવસ્થાપન માટે જારી કરાયેલા ભંડોળમાંથી માત્ર 45 થી 65% રકમનો ઉપયોગ થતો જ નથી.