દિલ્હીમાં કોરોનાનો શિકાર બનેલો પ્રથમ દર્દી સ્વસ્થ થઇ ગયો છે. મહત્વપૂર્ણ છે કે આ વ્યક્તિ 22 ફેબ્રુઆરીએ ઇટાલીથી પરત ફર્યો હતો અને સંક્રમણનો શિકાર બન્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્સમાં સુત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે મયૂર વિહાર ફેઝ-2માં રહેતા 45 વર્ષના વ્યક્તિ રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.
ઇટાલીથી પરત ફર્યા બાદ વ્યક્તિએ પોતાના પુત્ર માટે હયાત હોટલમાં બર્થ ડે પાર્ટી પણ આપી હતી. 2 માર્ચે વ્યક્તિમાં કોરોનાના સંક્રમણની પૃષ્ટી થઇ હતી. આ દરમિયાન કેટલાકા લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્કની શોધ કરનારા દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ સાથે જોડાયેલા 105 લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. જેમાં 41 દિલ્હી અને 64 લોકો બહારના છે. અધિકારીએ જણાવ્યુ કે વાયરસથી 80 ટકા લોકોમાં નાની-મોટી બીમારી હોય છે. માત્ર વૃદ્ધ અને ડાયાબિટિસ અથવા હાર્ટની બીમારી સામે ઝઝુમી રહેલા લોકો માટે આ ગંભીર ખતરો બની શકે છે.
અત્યાર સુધી દિલ્હીમાં COVID-19ના સાત કેસ સામે આવ્યા છે. શનિવારે એક કેસ સામે આવ્યો હતો. સબંધિત વ્યક્તિ રાજસ્થાનનો છે અને તેને ઇટાલીથી રેસક્યૂ કરવામાં આવ્યો હતો. અત્યારે તેને માનેસર કેમ્પમાં રાખવામાં આવ્યો છે.