દેશના 18 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુરુવારે લોકસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થયું હતું.ગુરુવારે આંધ્ર પ્રદેશમાં બે મોત, મહારાષ્ટ્રમાં IED બ્લાસ્ટ, EVMમાં ગરબડ અને મતદારોના નામ યાદીમાંથી ગાયબ હોવાની ફરિયાદો સાથે પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થયું. ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. અંતિમ મતદાન 19મી મેના રોજ થશે. ચૂંટણી પરિણામ 23મી મેના રોજ જાહેર થશે.
પ્રથમ તબક્કામાં સૌથી વધારે મતદાન 80.9 ટકા પશ્ચિમ બંગાળમાં નોંધાયું હતું. જ્યારે બિહારમાં સૌથી ઓછું 50.3 ટકા મતદાન થયું છે. નોર્થ ઇસ્ટના રાજ્યો જેવા કે ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં 80 ટકાની આસપાસ મતદાન થયું છે. અરુણાચલ પ્રદેશમાં 79.1 ટકા મતદાન થયું છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 60 ટકા આસપાસ મતદાન થયું છે.
ઉત્તર પ્રદેશની આઠ બેઠક પર આશરે 59.8 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં 65.8 ટકા મતદાન થયું હતું. આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા અને 25 લોકસભા બેઠક પર સરેરાશ 66 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં અહીં 78.8 ટકા મતદાન થયું હતું.