ઉત્તર પ્રદેશમાં બાંદા નજીક આવેલા હમીરપુરમાં ગુરૂવારે રાત્રે એક જ પરિવારના પાંચ સભ્યોની પત્થરથી હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તપાસ શરૂ હાથ ધરી છે.
પોલીસ અધ્યક્ષ હેમરાજ મીણાએ જણાવ્યું કે હમીરપુર શહેરના રાણી લક્ષ્મીબાઈ વિસ્તારમાં રહેતા રઈસ (27), તેમની પત્ની રોશની (25), દીકરી આલિયા (4), ભાણી રોશની (15) અને દાદી સકીના (85)ના મૃતદેહ મળી આવ્યા છે. તમામ સભ્યોની હત્યા પત્થરથી માથું ફોડીને કરવામાં આવી હતી.
ઘરના મોભી નૂર બખ્શ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઘરની બહાર હતા. તે જ્યારે ઘરે પરત ફર્યા તો જોયું કે તમામ સભ્યો મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસ અધ્યક્ષ મીણાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે આંતરિક દુશ્મનીના કારણે હત્યા કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.