INX મીડિયા કેસમાં CBIની તપાસ કાર્યવાહીનો સામનો કરી રહેલા કોંગ્રેસનાં નેતા અને દેશનાં પૂર્વ નાણાં મંત્રી નાણામંત્રી પી.ચિદમ્બરમ હાલ સીબીઆઇની ગિરફ્તમાં છે. તેમજ કોર્ટે તેમને સીબીઆઇ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જો કે, ધરપકડ બાદ સામાન્ય આરોપીની જેમ ચિદમ્બરમને પણ જેલમાં જ રખાયા હશે, તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ માન્યતા અત્યંત ખોટી અને ભલ ભરેલી છે.

મળતી માહિતી મુજબ ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરમાં નહી પણ સીબીઆઈના ગેસ્ટ હાઉસના સ્વીટમાં રાખવામાં આવ્યા છે.આ ગેસ્ટ હાઉસમાં ટેલિવિઝન, સોફા, ડબલ બેડ, એટેચ બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે. મળતી માહિતી મુજબ હાઈપ્રોફાઈલ આરોપીને લોકઅપમાં શિફ્ટ કરતા પહેલા ક્યારેક આ રૂમમાં રાખવામાં આવે છે.

સીબીઆઈ હેડક્વાર્ટરમાં જે લોકઅપ છે તે 15 બાય 10 ફૂટનુ સેન્ટ્રલી એસી રૂમ છે. તેમાં જમીન પર ગાદલુ પાથરેલુ હોય છે. બોટલ્ડ વોટર આપવામાં આવે છે અને એટેચ્ડ ટોયલેટની સુવિધા હોય છે. દિવાલ પર સીસીટીવી કેમેરા થકી આરોપી પર નજર રખાય છે. લોકઅપમાં પૂરાયેલો આરોપી ગમે તેટલી મોટી હસ્તી હોય પણ તેને જમીન પર પાથરેલા ગાદલા પર જ સુવુ પડે છે.

આરોપીને સીબીઆઈ કેન્ટિનનુ જ ભોજન અપાય છે. તેને ન્યૂઝપેપર કે ટેલિવિઝનની મંજૂરી નથી હોતી. જોકે, ચિદમ્બરમ માટે હાલમાં તો આ સ્થિતિ નથી.

ગેસ્ટહાઉસમાં જ સીબીઆઈ ચિદમ્બરમની પુછપરછી કરી રહી છે. જો કે સીબીઆઇને પણ પરસેવો વળી ગયો છે, કારણ કે ચિદમ્બરમ પાસેથી એક સવાલનો જવાબ મેળવવામાં જ 3-4 કલાકનો ખાસ્સો સમય નિકળી જાય છે. સામાન્ય રીતે એક દિવસમાં તેમને દસ થી બાર સવાલ પૂછવામાં આવે છે. મોટાભાગે ચિદમ્બરમ એવું જ કહે છે કે, મને યાદ નથી અને હું કાંઇ જાણતો નથી.