સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરી દીધો છે. પંચકુલા સ્થિત સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ જૂના હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ, નિર્મલ, કુલદીપ અને કૃષ્ણ લાલને દોષિત જાહેર કર્યા છે.વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા આ ચારેય આરોપીઓની સજાની સુનાવણી 17 જાન્યુઆરીના કરાશે.
એક અખબારના પત્રકારે ગુરમીત રામ રહીમના ડેરામાં મહિલાઓ પર જાતિય અત્યાચાર ગુજારમાં આવતો હોવાનો ધડાકો કર્યો હતો. જેને પગલે ઓક્ટોબર 2002માં પત્રકાર પર હુમલો કરાયો હતો અને નવેમ્બર 2002માં તેનું હોસ્પિટલમાં મોત થયું હતું.
ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પંજાબ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી હતી. દરમિયાન સમગ્ર વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી ત્યારે ગુરમીત રામ રહીમે પોતાની ગરદન ઝુકાવી દીધી હતી.