આજકાલનો જમાનો ડિજિટલ થઈ ગયો છે. એવામાં હવે ઘણા બધા લોકો ચુકવણી પણ કેશલેસ કરી રહ્યા છે. પાકીટમાં વધારે રોકડ રાખવાની મગજમારી, તેમજ છુટા પૈસાની ઝંઝટમાં ન પડી લોકો મોટાભાગે ઓનલાઈન પેમેન્ટ તેમજ કાર્ડથી પેમેન્ટ કરતા થઈ ગયા છે. અને લોકો પેટ્રોલ પંપ પર પણ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે.
અને જો તમે પણ પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો એકવાર આ સમાચાર જરૂર વાંચી લો. કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે મોટાભાગે લોકો પેટ્રોલ અથવા ડીઝલ ભરાવ્યા પછી જેતે પંપ પર કાર્ડથી પેમેન્ટ કરતા હોય છે. એના માટે તેઓ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. એ તો તમે જાણતા જ હશો કે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર જુદી જુદી કેશબેક કે ડિસ્કાઉન્ટ સહિતની ઓફર મળતી હોય છે. અને આવી ઓફર ઘણા પેટ્રોલ પંપ પર હોય છે, જે હવે બંધ થવા જઈ રહી છે.
મિત્રો, જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર ચુકવણી કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ દેશની સૌથી મોટી સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ક્રેડિટ કાર્ડના ગ્રાહકો માટે એક ખાસ સૂચના આપી છે. જે મુજબ 1 ઓક્ટોબર 2019 થી પેટ્રોલ પંપ પરથી ફ્યુલ ખરીદવા પર એમના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર મળતી 0.75 % ની છૂટને બેંક બંધ કરશે.
એસબીઆઈના આ નિર્ણયથી લગભગ છેલ્લા 3 વર્ષથી પેટ્રોલ પંપ પર મળતી આ સુવિધા હવે બંધ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની ભલામણ પર લેવામાં આવ્યો છે. વર્ષ 2016 માં ભારતમાં નોટબંધી થયા પછી સરકારે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને ફ્યુલની ખરીદ પર કાર્ડથી ચુકવણી કરતા ગ્રાહકોને 0.75 % છૂટ આપવાના નિર્દેશ આપ્યા હતા.
એટલું જ નહિ એની સાથે સરકારે પેટ્રોલિયમ કંપનીઓને કાર્ડથી ચુકવણી કરવા પર ‘મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ’(MDR) નો બોજ પણ પોતા પર જ વહન કરવાના નિર્દેશ આપ્યા હતા. જો કે સામાન્ય રીતે આ MDR નો ભાર રિટેલર પર હોય છે, પણ સરકારના નિર્ણયને લીધે એને કંપનીઓએ ઉઠાવવો પડે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, MDR એક એવી ફી છે જે દુકાનદાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનાર પાસેથી વસૂલે છે. જે સંબંધીત બેંક અને પ્વાંઇટ ઓફ સેલ્સ(POS) મશીન જારી કરનાર બેંકને આપવામાં આવે છે.