મહાત્મા ગાંધીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલા અને તેમણે જે પહેર્યા પણ હોવાનું મનાય છે તે સોનાનો ઢોળ ચડાવેલા ચશ્મા ૨૬૦૦૦૦ પાઉન્ડની કિંમતે વેચાયા છે અને તેણે યુકેના હરાજીના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.
આ ચશ્મા ઇસ્ટ બ્રિસ્ટોલ ઓકશન્સ નામના હરાજી ગૃહ દ્વારા ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. હરાજીમાં મૂકવામાં આવ્યા ત્યારે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે તેના ૧૦૦૦૦થી ૧૫૦૦૦ પાઉન્ડ ઉપજશે પણ અોનલાઇન બિડ્સ પર બોલીઓ બોલાતી જ ગઇ અને કિંમત વધતી જ ગઇ અને છેવટે આ ચશ્મા છ આંકડાની રકમમાં વેચાયા હતા. એક બિડરે આ ચશ્મા માટે ૨૬૦૦૦૦ પાઉન્ડ (લગભગ ૨પ૪૮૦૦૦૦ રૂપિયા)ની બોલી લગાવી હતી અને આ કિંમતે ચશ્મા વેચાયા હતા. એક અદભૂત વસ્તુ માટે અદભૂત પરિણામ, તમામ બોલી લગાવનારાઓનો આભાર.
એમ ઇસ્ટ બ્રિસ્ટોલ ઓકશન્સના હરાજીકાર એન્ડી સ્ટોવે કહ્યું હતું.
આ ચશ્મા છેલ્લા પ૦ વર્ષથી એક ડ્રોઅરમાં પડ્યા રહ્યા હતા. હરાજીકારને તેના વેચનારે કહ્યું હતું કે જો તેમાં કંઇ ભલીવાર ન હોય તો આ ચશ્મા ફેંકી દેજો, પણ હવે જીવન બદલી નાખે તેવી કિંમત તેના માટે ઉપજી છે. આ ચશ્મા નામ નહીં જાહેર કરાયેલા એક કુટુંબ પાસે હતા, જેના વડીલે આ કુટુંબને જણાવ્યું હતું કે તે જ્યારે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે તેમને ભેટમાં આ ચશ્મા મળ્યા હતા.
આ ચશ્મા ગાંધીજીને કોઇ પ્રશંસકે ભેટમાં આપ્યા હતા અને આ ચશ્મા ગાંધીજીએ પહેર્યા પણ હોવાનું મનાય છે. ગાંધીજી પોતાને મળેલી ભેટો ઘણીવાર પોતાના ચાહકોને આપી દેતા હતા અને તે રીતે આ ચશ્મા આ કુટુંબ પાસે આવી ગયા હોવાનું મનાય છે. હરાજીમાં આ ચશ્મા એક અમેરિકી સંગ્રાહકે ખરીદ્યા છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.