ગણપતિનો ઉત્સવ સમયની સાથે મોટો બની રહ્યો છે, તેની સાથે પર્યાવરણમાં પ્રદૂષણની ચિંતા પણ વધતી જઇ રહી છે. મોટાભાગની મૂર્તિઓ પ્લાસ્ટર ઑફ પેરિસની બનેલી હોય છે. ઉત્સવના અંતમાં તમામ ગણપતિની મૂર્તિઓને અરબ સાગરમાં વિસર્જિત કરવામાં આવે છે. જો કે મુંબઇમાં એવા લોકો અને મંડળ છે જે પર્યાવણ માટે જાગૃત છે અને તેઓ ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે. મુંબઇના લાલબાગમાં એક પ્રસિદ્ધ મંડળ છે જેણે કાગળ અને માટીથી ગણપતિની 22 ફૂટ ઉંચી વિશાળકાય મૂર્તિ બનાવી છે.

મુંબઇમાં ઘરો અને અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે પરંતુ પર્યાવરણને અનુકૂળ એવી બીએમસી દ્વારા કરવામાં આવેલી વિસર્જન વ્યવસ્થાને લઇને લોકોમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. ગણપતિની મોટાભાગની મૂર્તિઓ વિશાળકાય હોવાના કારણે તેનું વિસર્જન અરબ સાગરમાં કરવામાં આવે છે.
પ્લાસ્ટર ઑફ પેરિસથી બનેલી અને પેઇન્ટ થયેલી મૂર્તિઓ રસાયણના કારણે સમુદ્રમાં ઓગળતી નથી. જેના કારણે સમુદ્ર કિનારે અનેક માછલીઓ, પાણીના સાપ અને કાચબા મૃત અવસ્થામાં મળી આવે છે. આ જીવોના મૃત્યુ આવા રસાયણો તેમના શરીરમાં પહોંચવાના કારણે થાય છે જેથી તેઓ શ્વાસ નથી લઇ શકતાં.

માટુંગામાં મૂર્તિ નિર્માતા સાગર ચિતલે કાગળમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવે છે. સાગરે જણાવ્યું કે, આ લાંબી પ્રક્રિયા છે. નવરાત્રીનો તહેવાર પૂરો થયા બાદ મે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું. કાગળની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની કિંમત પ્લાસ્ટર ઑફ પેરિસની તુલનામાં વધુ છે પરંતુ પર્યાવરણની સામે આ કિંમત કંઇ ન કહેવાય. લોકોમાં પણ આ અંગે જાગૃતિ જોવા મળી રહી છે અને કાગળના ગણપતિની વધુ માંગ છે. વિશાળકાય મૂર્તિઓ પણ કાગળમાંથી બનાવી શકાય છે અને તે પર્યાવરણને નુકસાન નથી કરતી. અમે ખિલ્લીના બદલે ગુંદર અને નાના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. સરકારે પણ આ પહેલમાં મદદ કરવી જોઇએ અને આવી મૂર્તિઓ બનાવવા માટે સ્થળ ઉપલબ્ધ કરાવવું જોઇએ.

લાલબાગના રાજાની વાત કરીએ તો અહીંની વિશાળ મૂર્તિ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ આ મંડળે વિશાળ મૂર્તિની સ્થાપના કરી છે જે કાગળ અને માટીની બનેલી છે. 22 ફૂટ ઉંચી આ મૂર્તિ ઇકોફ્રેન્ડલી છે.
આ ઉપરાંત આ મંડળે આ વર્ષે પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ પણ નથી કર્યો. ડેકોરેશન માટે પણ કાગળ અને રૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંડળ તરફથી શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મૂર્તિ માટે અગરબત્તી અને ફૂલના બદલે પેન્સિલ, નોટબુક અને અન્ય ઉપયોગી વસ્તુઓ લાવે જે કોલ્હીપુર અને સાંગલીના પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં દાન કરવામાં આવશે.