ગોવામાં એક બીચ પર બે કિશોરીઓ સાથે રેપની ઘટના બની છે અને તેમની સાથે હાજર બીજા બે યુવકોને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ ઘટના બાદ ગોવાની સરકારને વિપક્ષોએ ઘેરી છે ત્યારે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ હતુ કે, આપણે હંમેશા પોલીસને ટાર્ગેટ કરીએ છે પણ આ રેપની ઘટના બની ત્યારે દસ યુવાઓ બીચ પર પાર્ટી માટે ગયા હતા તેમાંથી 6 પાછા આવી ગયા હતા અને ચાર જણા આખી રાત બીચ પર રોકાયા હતા. આ રીતે સગીર વયના કિશોરોનુ બીચ પર આખી રાત રોકાવુ યોગ્ય પણ નથી સાવંતે આગળ કહ્યુ હતુ કે, આ કિશોરોના માતા પિતાએ પણ ધ્યાન આપવુ જોઈએ કે, તેમના સંતાનો રાતે ક્યાં જાય છે. જો 14 વર્ષનુ બાળક આખી રાત બીચ પર રહે તો માતા પિતાએ વિચાર કરવાની જરૂર છે. આ સંજોગોમાં સરકાર કે પોલીસ પર તમામ જવાબદારી ઢોળી દેવી યોગ્ય નથી.