દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાની કિંમત 43 હજારને પાર પહોંચી ગઈ છે. દિલ્હીના માર્કેટમાં સોનાની કિંમત 700 રુપિયા વધીને 43,170 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. બુધવારે બુલિયન માર્કેટમાં સોનુ 501 રુપિયા પ્રતિ ગ્રામના ઉછાળા સાથે 41636 રુપિયા પર બંધ થયું હતુ. આ ઉપરાંત ચાંદી પર 600 રુપિયાની તેજી સાથે 48,600 રુપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.
આ અંગે HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતી કિંમતો અને લગ્નગાળામાં માંગની અસર બુલિયન માર્કેટ પર પણ જોવા મળી રહી છે. ચીનમાં જીવલેણ કોરોના વાયરસના કહેરથી આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતો 1600 ડૉલર પ્રતિ ઔંસની પાર પહોંચી ગઈ છે.
લંડન અને ન્યૂયોર્કથી મળેલી જાણકારી પ્રમાણે, સોનું આજે 8.9 ડૉલર ચમકીને 1,609.45 ડૉલર પ્રતિ ઔંસના ભાવે વેચાયું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 0.19 ડોલર વધીને 18.33 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે, કોરોના વાયરસના ચેપના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે કિંમતી ધાતુઓ તરફ પોતાનું ધ્યાન ધર્યું છે. જેના કારણે તેમા તેજી આવી છે.