રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે’ તેવો પણ નિર્ણય CM વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણમંત્રી એ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા.
અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84, 482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 6147 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે જ્યારે 6080 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,73,280 છે તો કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 3 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 1, રાજકોટમાં 1 અને સુરેન્દ્રનગરમાં પણ 1 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે. કોરોના કેસ વધતા સુરતના હીરા ઉદ્યોગ ને હીરા બજારને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. આ પહેલા સુરતના ટેક્સટાઇલ માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ત્યારબાદ હવે હીરા ઉદ્યોગ પણ બે દિવસ માટે બંધ રહેશે. જેની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.