પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમ્યાન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી એ ખેડૂતોને પ્રત્યેક વર્ષમાં 10 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. આજે રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને કૃષક બંધુ યોજના અંતર્ગત પ્રત્યેક વર્ષે રૂપિયા 10 હજાર આપવાના પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. હાલમાં આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂપિયા 5000 મળતા હતાં. આ સાથે જે તેઓની એક એકરથી ઓછી જમીન છે તો તેઓને રૂપિયા 4000 આપવામાં આવશે. પહેલાં તેઓને બે હજાર આપવામાં આવતા હતાં.તમને જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ નહીં મળવા પર પીએમ મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહએ પ્રહાર કર્યા હતાં અને મમતા બેનર્જી પર ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અડચણરૂપ થવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ એવો વાયદો કર્યો હતો કે, ‘બંગાળમાં જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોને પીએમ કિસાન સમ્માન યોજના આપવામાં આવશે.’ચૂંટણીમાં કરવામાં આવેલા વાયદાઓ અનુસાર, દેશના ખેડૂતોની સાથે-સાથે આ વખતે બંગાળના ખેડૂતોને પણ પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમની રકમ મળવાની શરૂ થઇ ગઇ છે. આ સ્કીમ અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2 હજાર ટ્રાન્સફર કરે છે. વર્ષમાં ત્રણ હપ્તાના આધારે કુલ 6 હજાર ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી બાદ બંગાળના ખેડૂતોને પ્રથમ હપ્તો મળ્યો છે. ત્યાર બાદ મમતા બેનર્જીએ એવો દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓએ ખેડૂતોને બાકી 18 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ માત્ર 2000 રૂપિયા જ આપવામાં આવ્યાં.
