દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલીવાર એવું થયું છે જ્યારે એક દિવસમાં ફક્ત 700 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન મુંબઈમાં સીરો સર્વિલાન્સ સ્ટડી કરવામાં આવી, જેમાં ખુલાસો થયો છે કે સ્લમ એરિયાનાં 57 ટકા અને બાકીનાં 16 ટકા લોકોમાં એન્ટીબૉડી ડેવલપ થઈ ગઈ છે, એટલે કે અનેક લોકો કોરોનાથી પ્રભાવિત થયા હતા. મુંબઈ સીરો સર્વિલાન્સ સર્વેની શરૂઆત 3 જૂનનાં કરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજિત 8870માંથી 6936 નમૂના ભેગા કરવામાં આવ્યા હતા.
આ સર્વે સ્લમ એરિયા અને બિન-સ્લમ એરિયાનાં ત્રણ વિસ્તારો આર-નૉર્થ, એમ-વેસ્ટ અને એફ-નૉર્થમાં મધ્ય જુલાઈ સુધી કરવામાં આવ્યો. આ સર્વેમાં જાણવા મળ્યું કે કોરોનાનાં વધારે દર્દીઓ અસિમ્પટોમેટિક છે. બીએમસીએ કહ્યું કે હર્ડ ઇમ્યૂનિટી વિશે વધારે જાણકારી ભેગી કરવામાં આ સર્વે રિઝલ્ટ ઘણું કારગર સાબિત થશે. બીએમસી તરફથી વધુ એક સર્વે કરવાનો પ્લાન છે, જેનો ઉદ્દેશ સંક્રમણ ફેલવાની જાણકારી અને હર્ડ ઇમ્યુનિટી વિશે અભ્યાસ કરવાનો છે.