લોકસભા ચૂંટણી પહેલા આર્થિક રૂપથી પછાત વોટર્સને આકર્ષવા માટે મોદી સરકાર મોટી જાહેરાતની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણને 8માં ધોરણથી વધારીને 12મા સુધી કરવા માટે વિચાર કરી રહી છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સંબંધમાં શિક્ષા કાર્યકર્તાને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે, ‘મંત્રાલય શિક્ષાનો અધિકાર એક્ટ, 2009 હેઠળ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષાને 12માં સુધી વધારવાનો પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. પ્રસ્તાવ પર ગાઢ અભ્યાસ બાદ આ સંબંધમાં કોઇ નિર્ણય લઇ શકાય છે.’
વર્તમાનમાં RTE હેઠળ 14 વર્ષ સુધી એટલે કે પહેલાથી આઠમાં ધોરણ સુધી બાળકોને મફત શિક્ષણ આપવાની જોગવાઇ છે. આ એક્ટ હેઠળ પ્રાઇવેટ સ્કૂલો માટે આર્થિક રૂપથી કમજોર વર્ગના બાળકો માટે 25% સીટો આરક્ષિત રાખવી ફરજીયાત છે.
જણાવી દઇએ કે આ મહિને કેન્દ્ર સરકારના સામાન્ય વર્ગના આર્થિક રૂપથી નબળા લોકોને સરકારી નોકરીમાં 10% આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. એવામાં 12માં સુધી શિક્ષા આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય ગરીબ વર્ગના વોટરોને આકર્ષવા બીજા મોટા સ્ટેપ તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાઇટ ટૂ એજ્યુકેશન દાયરાને વધારવાનો પ્રસ્તાવ લાંબા સમયથી પડ્યો રહ્યો હતો અને ચૂંટણી પહેલા એનો ઉલ્લેખ ફરીથી શરૂ થઇ ગયો છે. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનની એક સબ કમિટીએ 2012માં જ આરટીઆઇ એક્ટની સીમા વધારવાનું સૂચન આપ્યું હતું. ત્યારે કેન્દ્રમાં યૂપીએ સરકાર હતી.
પત્રમાં એમને આગળ લખ્યું કે, ‘મોટાભાગે સરકારી સ્કૂલોમાં ભણતરનું માધ્યમ હિંદી અથવા સ્થાનિય ભાષામાં હોય છે. એવામાં અંગ્રેજી મીડિયમથી ભણીને નિકળેલા વિદ્યાર્થીઓને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એની સાથે જ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મફત શિક્ષણ આપવાનો ઉદ્દેશ પણ પૂરો થઇ શકતો નથી. એવામાં વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પૂરો કરવામાં તક આપવી જોઇએ.’